સુરતમાં એક કાર્યક્રમમાં સી.આર.પાટીલનું સન્માન કરવામાં આવ્યું હતું. શહેરના આયોજીત એક કાર્યક્રમમાં જ્યારે તેમનું સન્માન કરવામાં આવ્યું ત્યારે તેઓએ તમામને હાથ જોડી નમસ્તેનું અભિવાદન કર્યું હતું. આમ કરવાના કારણને લઈને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે આ મામલે મહત્વની જાહેરાત કરી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યાં સુધી પહલગામ આતંકવાદી હુમલાનો બદલો નહીં લેવામાં આવે ત્યાં સુધી તેઓ કોઈપણ કાર્યક્રમમાં સ્ટેજ પર મોમેન્ટ અને બુકે આપી તેમનું સન્માન કરવામાં આવે છે તેનો સ્વીકાર કરશે નહી.
ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સ
મહત્વનું છે કે સુરતમાં આજે ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં મોટી જાહેરાત કરી હતી કે તેઓ કોઈપણ કાર્યક્રમમાં સ્ટેજ પર મોમેન્ટો કે બુકે દ્વારા સન્માન સ્વીકારશે નહીં. જ્યાં સુધી પહેલગામ હુમલામાં બદલો લેવાશે નહીં ત્યાં સુધી ગુજરાત જ નહીં દેશના કોઈપણ કાર્યક્રમમાં સ્ટેજ આ પ્રકારનું વિશેષ સન્માન સ્વીકારશે નહી.
રાજકીય સ્થિરતા મહત્વની
સી.આર. પાટીલે કહ્યું આ કાર્યક્રમાં પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે અહીં બધા માર્કેટના નિષ્ણાતો બેઠા છે એટલે તેમને કોઈ સલાહ સૂચનની જરૂર નથી. આજે હું મારો અનુભવ આ લોકો સાથે શેર કરવા માગુ છું. એક સમયે માર્કેટમાં 21 હજારનો ભાવ ચાલતો હતો ત્યારે બજાર નિષ્ણાતે કહ્યું હતું કે આગામી સમયમાં 50 હજાર થશે. ત્યારે મને એ વાત વાહિયાત લાગી હતી. પરંતુ અત્યારે માર્કેટ રેકોર્ડ તોડી ઐતિહાસિક રીતે આગળ વધી રહ્યું છે. માર્કેટ આગળ વધી રહ્યું છે તેની પાછળનું મુખ્ય કારણ મારા મતે રાજકીય સ્થિરતા હોવાને માનું છે. આજે દેશ તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે અને સંભવત તેની અસર પણ માર્કેટ પર થઈ રહી છે.
ભારત આપશે જવાબ
વધુમાં તેમણે આ કાર્યક્રમમાં 22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકી હુમલાને વખોડી હતી. સી.આર.પાટીલે કહ્યું કે ભારત આતંકવાદનો ખાતમો કરીને જ રહેશે. પાકિસ્તાન તરફથી વારંવાર ભારતને આ પ્રકારે હેરાનગતિ હવે ચલાવી લેવામાં આવશે નહી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીશું અને સરકાર દ્વારા આ મામલે વધુ આક્રમક પગલા પણ લેવામાં આવ્યા છે. આગામી સમયમાં દુનિયા પણ ભારતની આતંકવાદ સામે કડક કામીગીરી જોશે.









