• સરાજાહેર ત્રણથી ચાર ઈસમોએ હુમલો કરીને બિલ્ડરની હત્યા કરી
  • હત્યા અંગત અદાવતમાં થઈ કે કોઈએ સોપારી આપી તે એક સવાલ
  • વર્ષ 2020માં મૃતક બિલ્ડર આરીફ ખુરેશીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો

શહેરમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી બિલ્ડર આરીફ ખુરેશી સતત વિવાદોમાં ચાલી રહ્યો હતો, વર્ષ 2020માં મૃતક બિલ્ડર આરીફ ખુરેશીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, સુસાઈડ નોટ લખી પોતાની ઓફિસમાં જ ઝેરી દવા ગટગટાવીને તમામને દોડતા કરી નાખ્યા હતા, જમીન દલાલીથી શરૂઆત કરનારો આરીફ ધીમે ધીમે બન્યો હતો, બિલ્ડર અને ત્યારબાદથી આરીફના જીવનમાં આવ્યા હતા અનેક ભાઈગીરી કરનારા ટપોરીઓ, જેમાં માથાભારે સાજુ કોઠારીનો પણ સમાવેશ થાય છે.

અસામાજિક તત્વોના હુમલામાં બિલ્ડર પોતાનું જીવન હારી ગયો

મૃતક બિલ્ડરે એક સમયે સાજુ કોઠારી, સુરતી ગેંગ, બાપટી ગેંગ સામે પોલીસમાં ફરિયાદ કરી તમામ માથાભારે લોકોને હલાવી નાખ્યા હતા, કેટલાક અસામાજિક તત્વો બિલ્ડર આરીફે કરેલા બાંધકામની અરજી કરીને તોડાવી નાખવાની ધમકી પણ આપતા હતા, ત્યારે પણ આરીફ ખુરેશી વિવાદમાં આવ્યો હતો, સુરત શહેરના નામી ટપોરીઓ સામે પોલીસમાં અરજી કરીને સામનો કરનારો આરીફ આજે હારી ગયો હતો અને અસામાજિક તત્વોના હુમલામાં પોતાનું જીવન હારી ગયો છે. આરીફે વર્ષ 2018માં મનપામાંથી મંજુરી મેળવી સૈયદપુરા તુરાવા મહોલ્લામાં છ માળની બિલ્ડિંગનું બાધકામ શરુ કર્યુ હતું. જો કે રામપુરામાં રહેતા અનસારી રંગરેજ ઉર્ફે મીંડી, સૈયદ સજાઉદ્દીન ઉર્ફે સંજુ બાબુ અને મોમનાવાડ ખાતે રહેતા આસિફ બાપ્ટીએ આ બાંધકામ ગેરકાયદે હોવાનું કહી તોડાવી નાંખવાની ધમકી આપી હતી, ત્યારે પણ આરીફ ખુરેશીનું નામ ચર્ચામાં આવ્યું હતુ.

બિલ્ડર પાસે અગાઉ પણ ખંડણી માગવામાં આવી હતી

વર્ષ 2020 બાંધકામ કરનાર બિલ્ડર આરીફ કુરેશી પાસે આસીફ ઉર્ફે બાપ્ટી અને અનસ ઉર્ફે મીંડી ગેંગના સભ્યએ રૂપિયા 2-2 લાખની ખંડણી માગતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જેમાં માથાભારે સજાઉદ્દીન ઉર્ફે સજજુબાપુનું નામ પણ બિલ્ડર કુરેશી બોલ્યો હતો, આ તમામ વાતો વચ્ચે એક સમય એવો પણ આવ્યો હતો કે બિલ્ડર આરીફ કુરેશીને પણ છેતરપિંડી કરવાના કેસમાં લોક અપમાં જવાનો વારો આવ્યો હતો, આજે બપોરના સમયે બિલ્ડર આરીફ કુરેશી સગરમપુરામાં આવેલી એક મિત્રની બાંધકામની સાઈટ પર ગયા હતા, ત્યારબાદ ત્યાંથી બપોરની નમાજ પડવા માટે નજીકની મસ્જિદમાં ગયા હતા અને આજે આરીફ કુરેશીને ના ખબર હતી કે આજે બપોરે મસ્જિદમાં અદા કરેલી નમાઝ એમની અલ્લાહને છેલ્લી બંદગી હશે, નમાઝ પૂર્ણ કરીને બહાર પોતાના મોપેડ પર આવ્યા અને કેટલાક લોકોએ ચપ્પુથી હુમલો કરીને ત્યાં જ જમીન પર પાડી દીધા હતા અને ભાગી છુટ્યા હતા.

હત્યા અંગત અદાવતમાં થઈ કે કોઈએ સોપારી આપી તે એક સવાલ

સુરતમાં ભાઈલોગ તરીકેની છબી ધરાવતા અનેક મોટામાથાઓને ધુળ ચાટતી કરી દેનાર આરીફ કુરેશીને કારણે અનેક ભાઈલોગ જેલવાસ ભોગવી ચુક્યા છે. રૂપિયાની ઉઘરાણી તેમજ ધાક-ધમકી ઉચ્ચારવાના કિસ્સામાં જેલવાસ ભોગવી આવેલા ભાઈલોગોએ જે તે સમયે આરીફને પતાવવાની વાત કરી હતી, પરંતુ તેનો વાળ પણ વાંકો કરી શક્યા નથી, પરંતુ આજે આરીફના નસીબે સાથ ના આપ્યો અને સરાજાહેર ત્રણથી ચાર ઈસમોએ હુમલો કરીને હત્યા કરી ભાગી છુટ્યા હોવાથી ચકચાર મચી ગઈ હતી. મહત્વનો સવાલ એ પણ રહેશે કે અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે કે કોઈએ બિલ્ડરની સોપારી આપીને હત્યા કરાવી છે, પરંતુ આ સવાલનો જવાબ પોલીસની તપાસ બાદ જ બહાર આવશે.

પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા

હાલમાં તો ઘટના સ્થળેથી ડીવીઆર કબ્જે લેવામાં આવ્યા છે. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. બે શંકાસ્પદના ફોટો પણ સામે આવ્યા છે. પોલીસની ટીમ આરોપીઓને શોધવા પ્રયત્ન કરી રહી છે. ઝડપથી આરોપીઓને ઝડપી લઈને હત્યાનું કારણ પણ સામે આવી જશે એવું પોલીસ જણાવી રહી છે, જો કે, રોજેરોજ હત્યા સહિતની ઘટનાઓને લઈ સુરત શહેર પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે.