પગાર અને હીરાની મજૂરીના ભાવ વધારવા સહિતની માંગ સાથે રવિવારે રત્નકલાકારોએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યા બાદ બીજા દિવસે સોમવારે પણ હડતાલ યથાવત રાખી હતી. સોમવારે કતારગામ અને કાપોદ્રા વિસ્તારના ઘણા કારીગરો સ્વયંભૂ હડતાલમાં જોડાયા હોવાનો યુનિયને દાવો કર્યો છે.


હડતાલને સમર્થન આપવા ઘણા કારીગરો નોકરીએ નહીં જતા કતારગામ ખાતે બારડોલિયા પ્લોટ, નંદુ દોશીની વાડી અને કાપોદ્રા ખાતે સ્નેહમુદ્રા તેમજ કરમનાથ મહાદેવ સામે આવેલા કેટલાક કારખાના બંધ રાખવા પડયા હોવાનું યુનિયનનું કહેવું છે. જોકે, રવિવારની તુલનામાં સોમવારે હડતાલનો માહોલ ઠંડો રહ્યો હોવાનું કહેવાય રહ્યું છે. બંધ કારખાના પણ બપોર બાદ ખૂલી ગયા હતા.

હીરાઉદ્યોગમાં આવેલી ભયાનક મંદીને કારણે સૌથી દયનીય હાલત રત્નકલાકારોની થવા પામી છે. આર્થિક રીતે પાયમાલ થયેલા કેટલાક રત્નકલાકારો અણધાર્યું પગલું ભરવા સુધી મજબૂર બન્યાં છે. જેથી રત્નકલાકારોને સહાય કરી શકાય તે પ્રકારની યોજના તેમજ પગાર અને હીરાની મજૂરીના ભાવ વધારવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જોકે, આજદિન સુધી કોઈ માંગણી નહીં સ્વીકારતા રત્નકલાકારોએ હડતાલ પાડી વિરોધ શરૂ કર્યો છે.

યુનિયનના પ્રમુખ રમેશ જીલરિયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, સોમવારે પણ રત્નકલાકારોની હડતાલ યથાવત રહી હતી. યુનિયન દ્વારા હીરાના કારખાના આવ્યા છે, તે વિસ્તારોમાં જઈ કારખાના ચાલુ રાખનારા કારીગરોને હડતાલમાં જોડાવા માટે વિનંતી કરી હતી.

નોકરી ગુમાવવાના ડરથી ઘણા કારીગરોએ જાહેરમાં આવી હડતાલને સમર્થન આપ્યું નહોતું. પરંતુ હડતાલના એલાનને લીધે તેઓ સોમવારે નોકરીએ ગયા નહીં હોવાની વાત પણ સાચી છે. કેટલાક રત્નકલાકારઓ નાણાંભીડના કારણે આત્મહત્યાનું પણ વિચારી રહ્યાં છે. રવિવાર અને સોમવારે કેટલીક મોટી ફેક્ટરી ઇરાદાપૂર્વક ચાલુ રાખવામાં આવી હતી. તેને લીધે પણ રત્નકલાકારો મોટી સંખ્યામાં હડતાલમાં જોડાઈ શક્યા નહોતા. બે દિવસની હડતાલ પછી પણ રત્નકલાકારોના હિતમાં ઝડપથી નિર્ણય લેવાશે નહી, તો યુનિયન દ્વારા આગળની રણનીતિ પણ નક્કી કરી રાખવામાં આવી છે.


  • Follow us on: