સુરતના ડાયમંડ ઉદ્યોગને છેલ્લા ઘણા સમયથી મંદીની અસર જોવા મળી છે. જેમાં ઘણા રત્નકલાકારોએ આત્મહત્યા કર્યાની ઘણી ઘટનાઓ સામે આવેલી છે. ડાયમંડ ઉદ્યોગમાં આવેલી મંદીને લીધે રત્નકલાકારોની રોજગારી પર માઠી અસર પડી છે. તો તેને લઈને રત્નકલાકારો દ્વારા સરકાર સમક્ષ માંગણીઓ મૂકવામાં આવેલી છે. તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ રત્નકલાકારોના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

રત્નકલાકારોના ભવિષ્યની ચિંતા

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કોંગ્રેસ નેતા દર્શન નાયકે જણાવ્યું કે, સુરત શહેરમાં રત્નકલાકારોની ભારે દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે. હીરા ઉદ્યોગમાં આવેલી ભારે મદીને લઈને રત્નકલાકારો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હીરામાં મંદીને કારણે રત્નકલાકારો આપઘાત કરવા મજબૂર બન્યા છે. તેથી તેમના પરિવારનો કોઈ આધાર રહેશે નહી. તેમ રત્નકલાકારોના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી હતી.

ખાસ પેકેજ જાહેર કરવા માંગ

રત્નકલાકારોની પરિસ્થિતિને જોતાં તેમના માટે ખાસ પેકેજ જાહેર કરવા કોંગ્રેસે સરકાર પાસે માંગ કરી હતી. સરકાર દ્વારા તત્કાલ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ હતી. કોંગ્રેસ દ્વારા રત્નકલાકારના બાળકોને અભ્યાસમાં શિષ્યવૃત્તિ,પરિવારને રાહત દરે આરોગ્ય સેવા આપવા સહિતની માંગ કરાઈ હતી.

કોંગ્રેસે આશા વ્યક્ત કરી

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં રત્નકલાકારોની હાલત કફોડી બનતાં કોંગ્રેસ ચિંતિત છે. તેમજ હીરા ઉદ્યોગને ફરી ધમધમતુ કરવાં સરકારને માંગ કરવામાં આવી છે. 10 લાખ જેટલા પરિવારો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. તંત્ર દ્વારા કમિટી બનાવી છતાં તેનું કોઈ પરિમાણ જોવા ન મળ્યું. રત્નકલાકારની પરિસ્થિતિ અંગે સરકાર ગંભીર થશે તેવી કોંગ્રેસે આશા વ્યક્ત કરી હતી.