બગસરામાં મોબાઇલ ગેમના રવાડે ચઢેલા 40 વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે પોતાના શરીર પર બ્લેડથી કાપા મારવાની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
ઓનલાઇન ગેમના ટાસ્ક માટે વિદ્યાર્થીઓની આ આઘાતજનક હરકતે શિક્ષણજગત જ નહિ સૌ કોઇને સ્તબ્ધ કરી દીધા છે. બાળકો-ટીનેજર્સ ઓનલાઇન ગેમના નશામાં એ હદે ખૂંપી રહ્યા છે કે હિંસક બની ખુદને પણ હાનિ પહોંચાડતા અચકાય નહીં એ કેવી માનસિક્તા. હાલ દરેક ઘરમાં મોબાઇલ ફોન કકળાટનું કારણ બન્યો છે. બાળકો અભ્યાસને બદલે મોબાઇલ કે ગેમમાં વધુ રચ્યાપચ્યા રહેતા હોવાની પણ વાલીઓ ફરિયાદ કરતા સંભળાય છે. મોબાઇલ કહો કે ગેમના ચસકામાં બાળકોએ આત્મહત્યા કરી હોવાના બનાવો પણ સામે છે. જેને માટે વાલીઓ પણ કંઇક અંશે જવાબદાર છે. જીદ કરતા બાળકને વાલીઓ મોબાઇલ આપી શાંત પાડી દેવાના પ્રયાસો કરે છે. વાલીઓની આવી ચેષ્ટા ભવિષ્યમાં ઘાતક પુરવાર થઇ શકે છે. ઓનલાઇન ગેમિંગ મામલે થયેલા એક સરવેમાં ગેમિંગના કારણે બાળકોનું વર્તણ આક્રમક બની ગયું છે, બાળકોની ધીરજ ખૂટી ગઇ છે, સ્વભાવ ચીડચીડિયો બની ગયો છે, બાળકો એગ્રેસિવ, હાઇપર એક્ટિવ અને ડિપ્રેશનનો ભોગ બન્યા હોવાનું ખુદ માતા-પિતાએ સ્વીકાર્યુ છે. બાળક મોબાઇલમાં કંઇ રીલ્સ કે ગેમ પર ટાઇમપાસ કરે છે? તેના પર વાલીઓ નજર નહિ રાખે તો ભવિષ્યમાં ચોંકાવનારા પરિણામો ભોગવવા પડશે એવી દહેશત શિક્ષણવિદો-બુદ્ધિજીવીઓ વ્યક્ત કરી રહ્યા છે.
આ ગેમ્સ-એપ્સ પર સરકારે મૂક્યો હતો પ્રતિબંધ
પબ્જી મોબાઇલ, પબ્જી મોબાઇલ લાઇટ, રૂલ્સ ઓફ સર્વાઇવલ, બેંગ બેંગ, ક્લેશ ઓફ કિંગ્સ, ગારેના ફ્રી ફ્રી, રાઇસ ઓફ કિંજમ્સ, ગેમ ઓફ સુલતાન્સ, વોરપાથ, બેડલેન્ડર્સ, ઓનમોયોજી એરેના, રોડ ઓફ કિંગ્સ, એસ્ટ્રાક્રાફ્ટ, બ્લ્યુવ્હેલ, મોમો, મોબાઇલ લેજન્ડ્સ, નાઇવ્સ આઉટ, લાઇફ આફ્ટર, સુપર મેચા ચેમ્પિયન્સ, ડાર્ક ટેન્ક્સ વગેરે.
ઓનલાઇન ગેમિંગ પર થયેલા સર્વેક્ષણના આંકડા
1 ભારતમાં ઓનલાઇન ગેમર્સ પૈકી 50 ટકા ગેમર્સ તો 18-30 વર્ષની વયના છે. 30 ટકા 30-45 વર્ષની ઉંમરના અને 20 ટકા 45 વર્ષ કે તેથી વધુની વયના છે.
1 મોટાભાગના ગેમર્સ ગેમ રમવામાં સરેરાશ 1થી 2 કલાકનો સમય વિતાવે છે.
1 66 ટકા ગેમર્સ નોન-મેટ્રો પ્રદેશોના છે.
1 ભારતમાં 600 મિલિયન ગેમર્સમાંથી 41 ટકા ગેમર્સ મહિલા છે.
1 શહેરી વિસ્તારોના 66 ટકા માતા-પિતા માને છે કે તેમના બાળકો ઓનલાઇન ગેમ્સ, ઓટીટી, સોશિયલ મીડિયાના એડિક્શનમાં આવ્યા છે.
1 18થી નીચેના વયજૂથના ટીનેજર્સ, બાળકો સરેરાશ 6 કલાક ઓનલાઇન પ્લેટફોર્મ પર વિતાવે છે. સ્ટડી માટે તેમજ ગેમ્સ, રીલ્સ, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રચ્યાપચ્યા રહે છે.
બાળકોમાં ઓનલાઇન ગેમ્સનું વ્યસન ચિંતાજનક : ડીસીપી
શહેરના એક કાર્યક્રમમાં ડીસીપી વિજયસિંહ ગુર્જરે પણ બાળકોમાં ઓનલાઇન ગેમ્સના વળગણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બાળકો ઓનલાઇન ગેમ્સના બંધાણી થઇ ગયા છે. કેટલીક ઓનલાઇન ગેમ્સ એ રીતે ફસાવે કહો કે ચકરાવે ચઢાવે છે કે બાળકો હિંસા કરવા પ્રેરાય છે. ઓનલાઇન ગેમ્સ ઘાતક પણ પુરવાર થઇ છે. જેથી બાળકો જ નહિ યુવાવર્ગને પણ ગેમ્સ કે સોશિયલ મીડિયા પર ફાલતું ટાઇમપાસ નહિ કરવા ડીસીપીએ અપીલ કરી હતી.
કાયદાકીય, ટેક્નોલોજિકલ અપડેટ રહેવું અનિવાર્ય : એક્સપર્ટ
સાયબર એક્સપર્ટ ડો. સ્નેહલ વકીલના કહે છે કે, ઓનલાઇન ગેમિંગમાં બાળકોને ટાસ્ક આપી કોઇન, નાણાં કે ક્રિપ્ટ કરન્સીની લાલચ અપાય છે. જેના ચક્કરમાં બાળકોને ગેમનું એડિક્શન થઇ જાય છે. આગામી સમયમાં પરિસ્થિતિ ઓર બગડી શકે છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ મેટાવર્સને ભવિષ્ય તરીકે જોઇ રહ્યા છે. પેરેલલ યુનિવર્સ બનેલા મેટાવર્સની ગેમ્સ રિયાલિટીની એટલી નજીક લાવી દેશે કે તમે વાસ્તવિકતા અને કાલ્પનિકતા વચ્ચેનો ભેદ ઉકેલી નહિ શકશો.