હાલ થોડા સમય પહેલા જ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, આ વાવાઝોડા સાથે વરસેલા વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન કેરી પકવતા ખેડૂતો અને ડાંગર પકવતા ખેડૂતોને થયું છે. કેમ કે બંને પાકની સીઝન તૈયાર હતી અને આ વાવાઝોડા સાથે વરસાદ વરસતા મોટાભાગના આંબા પરથી કેરી ખરી ગઈ હતી, જ્યારે ડાંગરનો પાક પણ મોટા પ્રમાણમાં જમીનદોસ્ત થઈ ગયો હતો, ઓલપાડ તાલુકાના બોલાવ ગામે પણ કંઈક આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
12,000 હેક્ટરથી વધુ જમીનમાં ડાંગરની રોપણી
સુરત જિલ્લામાં ચાલુ વર્ષે લગભગ 80,000 એકર જેટલું ઉનાળુ ડાંગરની રોપણી કરવામાં આવી હતી અને જેમાં આશરે 12,000 હેક્ટરથી વધુ તો માત્ર ઓલપાડ તાલુકામાં જ રોપણી કરવામાં આવી છે. ઓલપાડ તાલુકાના ખેડૂતો પહેલા શેરડીનો પાક સૌથી વધુ લેતા હતા, પરંતુ આ વિસ્તારમાં ભૂંડના અસહ્ય ત્રાસને કારણે હવે ખેડૂતો ડાંગરની ખેતી તરફ વળ્યા છે અને ડાંગરનો પાક લઈ રહ્યા છે, પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી તેમાં પણ કુદરત જાણે ખેડૂતોથી નારાજ હોય એમ પાક તૈયાર થાય ત્યારે જ કમોસમી વરસાદ,વાવાઝોડાનો માર સહન કરી રહ્યા છે.
મજૂરીના પૈસા કાઢવા પણ મુશ્કેલ
હાલમાં જ વરસેલા કમોસમી વરસાદની અસર ઓલપાડ તાલુકામાં મોટાપાયે થઈ છે, સતત વરસેલા વરસાદને કારણે મોટા ખેતરમાં ઉભેલો ડાંગરનો પાક પલળી ગયો હતો, હાલ જ્યારે બે દિવસથી ફરીથી ઉઘાડ નીકળતા હવે ખેડૂતો પોતાનો તૈયાર પાક ફટાફટ કાપણી કરી રહ્યા છે, જોકે ખેડૂતોની મજબૂરી છે કે ખેતરોમાં અને રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને ભીંજાઈ ગયેલા પાક સુકવવાની જગ્યા મળી રહી નથી. જેને લઈ ખેડૂતો મજુરીના વધારે પૈસા ખર્ચી ખેતરથી મુખ્ય માર્ગ સુધી લાવી મુખ્ય માર્ગ પર પાક સૂકવવા મજબૂર બન્યા છે.
સરકાર સર્વે કરીને વળતર ચુકવે તેવી માગ
ડાંગરનો પાક પલળી જવાને કારણે હવે ખેડૂતોને ડાંગરના જોઈએ તેવા ભાવ નથી મળવાના કારણે કે પાક તૈયાર હતો અને તેના પર વરસાદી પાણી પડતા પાક પલળી ગયો છે, બીજી તરફ સરકાર દ્વારા જાહેર કરેલા ટેકાના ભાવ પણ ખુબ ઓછા છે, ખેડૂતો પાકની કાપણી કરી સીધા ટ્રેક્ટર ભરીને પાકને મંડળી અથવા તો પૌવા મિલ પર મોકલી આપતા હતા, પરંતુ પાક પલળી જવાના કારણે હવે ખેતરથી રોડ સુધી લાવવાનો અને રોડ પર સૂકવવાનો, મજુરીનો ખર્ચનો બોજો ખેડૂતોના માથે પડ્યો છે, ત્યારે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર નુકસાનીનો સર્વે કરી ડાંગરની નુકસાનીનું વળતર ચૂકવે અને ટેકાના ભાવ પણ વધારે એવી માગ કરી રહ્યા છે.









