અલથાણ-ભીમરાડ રોડ પર આવેલ એક્સેલન્સ બિઝનેસ હબના પહેલા માળે દુકાનમાં આગ લાગી હતી, બિલ્ડીગના ત્રીજા અને ચોથા માળે NSGના 100થી વધુ કમાન્ડો રોકાયા હતા. દરમિયાન ધુમાડો વધુ પ્રમાણમાં સર્જાયો હતો. ઘટનાની જાણ થતાજ કમાન્ડો હરકતમાં આવી નીચે ઉતરી રહ્યા હતા. બીજી તરફ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થળ પર પહોંચેલી ફાયર વિભાગની ટીમે આગ ઓલવવાની કામગીરી સાથે 20 જેટલા કમાન્ડોનું રેસ્ક્યું પણ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ અલથાણ-ભીમરાડ રોડ પર JMD એક્સેલન્સ બિઝનેસ હબ બિલ્ડીગના ત્રીજા અને ચોથા માળે હોટલમાં 100થી વધુ NSG કમાન્ડો રોકાયા હતા. આ કમાન્ડો સુરતમાં મોકડ્રીલ માટે આવ્યા હતા, અને તેમણે ડાયમંડ બુર્સમાં મોકડ્રીલ કરી હતી. આ બિલ્ડીંગના પહેલા માળે આવેલ દુકાનમાં ત્રણ-ચાર યુવકો રહેતા હતા અને ત્યાંજ જમવાનું પણ બનાવતા હતા. આ દુકાનમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. આગને પગલે ધુમાડો ઉપર તરફ ફેલાયો હતો.










