વેપારી દ્વારા વેચવામાં આવેલો માલ પરત આવે તેવા કિસ્સામાં જીએસટી રિટર્ન ભરવામાં સૌથી વધુ પરેશાની થતી હતી. તે માટે જીએસટી 3બી રિટર્નમાં માઇનસમાં રિટર્ન ભરી શકાય તે માટેની સુવિધા ઊભી કરવામાં માંગ પણ કરવામાં આવી હતી. આખરે આઠ વર્ષ પછી વેચેલો માલ પરત આવે તેવા કિસ્સામાં માઇનસમાં રિટર્ન ભરી શકાય તેવી સુવિધાની શરૂઆત કરી દેવામાં આવી છે.


તેના લીધે વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે. વેપારીઓએ માલ વેચ્યો હોય ત્યારે તેના આધારે જીએસટી રિટર્ન ભરપાઇ કરી દેવામાં આવતું હોય છે. જ્યારે તે પૈકી કેટલોક માલ રિટર્ન આવે ત્યારે તેને જીએસટીમાં બતાવવાની સુવિધા નહોતી. આ માટે રિટર્ન આવેલા માલની વિગતો માઇનસમાં ભરી શકાય તેવી સુવિધા આપવા માટે માંગણી કરવામાં આવી રહી હતી. આ માટે સપ્ટેમ્બર 2020માં સુવિધા શરૂ કરવાની જાહેરાત પણ કરાઈ હતી. પરંતુ તેનું સત્તાવાર નોટિફિકેશન આવ્યું નહીં હોવાના લીધે વેપારીઓને તેનો લાભ મળી રહેતો નહોતો. સાથે સાથે જીએસટી પોર્ટલ પર તે માટેની સુવિધા શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી વેપારીઓ પણ માઇનસમાં ફીગર લખી શકતા નહોતા. આખરે થોડા સમય પહેલા તેનું નોટિફિકેશન આવ્યા બાદ ચાલુ મહિનાથી જીએસટી પોર્ટલ પર તેની સુવિધા પણ શરૂ કરી દેવામાં આવી છે. તેના કારણે વેપારીઓ પાસે પરત આવેલા માલની વિગતો સાથે માઇનસમાં 3બી રિટર્નના આંકડા ભરી શકશે. સાથે સપ્ટેમ્બરનું જીએસટી રિટર્ન ઓક્ટોબરમાં ભરવાનું હોય તેમાં જ વેપારીઓ વિગત ભરી શકે તેવી સુવિધા પોર્ટલ પર આપી દેવાઈ છે.

વેપારીઓ માટે સૌથી વધુ રાહત આપતો નિર્ણય

સુરતના કાપડ વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે, કારણ કે કાપડનું વેચાણ કર્યુ હોય ત્યારે જીએસટી રિટર્ન ભરીને તેમાં વિગતો આપવામાં આવી જ હોય છે. હવે જ્યારે તે માલ રિટર્ન આવે તેવા કિસ્સામાં તકલીફ પડતી હતી, કારણ કે એક જ માલ બે વખત વેચાણ કર્યાનં કેવી રીતે દર્શાવી શકાય. જ્યારે આ સુવિધા શરૂ કરવામાં આવવાના લીધે વેપારીઓને પડતી તકલીફ હવે દૂર થવાની છે.


  • Follow us on: