• ચોકબજાર જંક્શન પર ખોદકામથી કિલ્લાનો ખર્ચ માથે પડયો

  • પાલિકાની મુખ્ય કચેરીનો રસ્તો જ આઠ મહિનાથી બંધ
  • કલાકોના ટ્રાફિકજામને કારણે થતો હજારો લિટર ઈંધણનો દુર્વ્યય

65 લાખની વસતી ધરાવતા સુરત શહેરમાં મેટ્રો ટ્રેનનું ફૂલગુલાબી સ્વપ્ન આજે તો જાગતે જીવ બિહામણી અડચણોનું કારક બની રહ્યું છે. સવારે જાગીને રોજિંદા કામધંધે નીકળવાના ફરજિયાતપણાનો વિચાર માત્રથી નગરજનોની રાતની ઊંઘ હરામ થઈ જાય છે. જનતાના મતથી ચૂંટાઈને જેમને પોલીસ પાયલોટિંગના વિશેષાધિકાર મળ્યા છે તેવા જનપ્રતિનિધિઓને જ્યારે જવું હોય ત્યારે મોકળો માર્ગ ઉપલબ્ધ હોવાથી સામાન્ય વ્યક્તિની યાતનાનો તેમને અહેસાસ નહીં થતો હોય તેવું માનવું રહ્યું. કલાકોના ટ્રાફિકજામને કારણે થતો હજારો લિટર ઈંધણનો દુર્વ્યય અને લાખો માનવકલાકોનો વેડફાટ એ અલગ વિષય છે, જે આગળ ઉપર જોઈશું. આજનો આ અહેવાલ લાગતા વળગતાને ઢંઢોળવા માટેનો હજી નમ્ર પ્રયાસ છે. જેમની જવાબદારી છે તેઓ સવેળા જાગે તો સારું.

શહેરમાં મેટ્રો રેલ કોરિડોર અંતર્ગત હાલમાં છ પેકેજની કામગીરી ચાલી રહી છે. આ તમામ પેકેજ અંતર્ગત રસ્તાઓ બંધ કરી ખોદાણ કરી દેવાયા છે. શહેરમાં છેલ્લા અઢી વર્ષથી મેટ્રો રેલ કોરિડોરની કામગીરી ચાલી રહી છે, પરંતુ એક પણ કામગીરી સમયમર્યાદા મુજબ ચાલી રહી નથી. સમયમર્યાદાની ઐસીતૈસી વચ્ચે શહેરના અન્ય વિસ્તારોમાં ચારેકોર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ રહી છે. દરેક કામ સમય કરતાં મોડા ચાલી રહ્યા છે. આડેધડ ખોદકામ અને ડાયવર્ઝનથી શહેરીજનો હેરાન પરેશાન છે ત્યારે મેટ્રો રેલની કામગીરી સરકારી ગતિએ ચાલી રહી છે.

મેટ્રો રેલના પેકેજ એક અંતર્ગત કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધી 11.6 કિલોમીટર લંબાઇમાં દસ એલિવેટેડ સ્ટેશન સહિત કોરિડોર વિકસાવવાની રૂ. 780 કરોડની કામગીરી સદભાવ એન્જિનિરિંગ અને એસપી સિગલા જોઇન્ટ વેન્ચરને સોંપવામાં આવી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને જાન્યુઆરી 2021માં આ કામગીરી માટે એજન્સીને લેટર ઓફ એસેપ્ટન્સ ઇશ્યૂ કર્યો હતો. આ કામગીરી માટે જૂન 2020માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા ત્યારે તેમાં 30 મહિનામાં કામગીરી પૂરી કરવા જણાવાયું હતું, પરંતુ હાલમાં સ્થળ પર ફક્ત બાર ટકા જ કામગીરી થઇ છે. કોરોના, સર્વિસ લાઇન ખસેડવા સહિતના અલગ અલગ કારણોસર આ કામગીરી મોડી ચાલી રહી છે. કાદરશાની નાળથી મજુરાગેટ થઇ અલથાણ થઇ ડ્રીમ સિટી સુધીના ભરચક વિસ્તારમાં આ કામગીરીને કારણે રોજેરોજ ટ્રાફિક જામ અને ડાયવર્ઝનની સ્થિતિ સર્જાઇ રહી છે. કાદરશાની નાળનો મુખ્ય માર્ગ મહિનાઓથી બંધ કરી દેવાયો છે. શહેરના અનેક તબીબોની હોસ્પિટલ અને કન્સલ્ટિંગ આ વિસ્તારમાં આવેલા છે. મેટ્રોની કામગીરીને કારણે ડાયવર્ઝન અને જામને કારણે દર્દીઓે હેરાન થઇ રહ્યા છે.

મેટ્રો રેલ કોરિડોરના પેકેજ બે અંતર્ગત કાપોદ્રા રેમ્પથી સુરત રેલવે સ્ટેશન સુધી ત્રણ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન અને ટનલ બનાવવા માટે ગુલેમાર્ક સેમ ઇન્ડિયા જોઇન્ટ વેન્ચર કંપનીને રૂ. 1073 કરોડના ખર્ચે કામગીરી સોંપવામાં આવી છે. મેટ્રો રેલ કોરિડોર અંતર્ગત ચાલી રહેલા કામોમાં સૌથી નિર્ણયાક કામગીરી આ વિસ્તારમાં ચાલી રહી છે. અહીં કાપોદ્રા, લાભેશ્વર ચોક અને સેન્ટ્રલ વેર હાઉસ ખાતે ત્રણ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અહીં ટનલની કામગીરી પણ ચાલી રહી છે. આ સંપૂર્ણ કામગીરી 40 મહિનામાં પૂરી કરવાની રહે છે. જીએમઆરસીએ માર્ચ 2021માં ઇજારદારને લેટર ઓફ એસેપ્ટન્સ ઇશ્યૂ કર્યો હતો. છેલ્લા બે વર્ષમાં અહીં માંડ 30 ટકા પૂરી થઇ છે. છેલ્લા દોઢ દોઢ વર્ષથી આ વિસ્તારના રહીશો મેટ્રોની કામગીરીને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. મેટ્રોની ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરીને કારણે સમગ્ર ત્રણ કિલોમીટરનો વિસ્તાર એક દોઢ વર્ષથી બાનમાં લેવાયો છે.

ચોકબજાર જંક્શન પર ખોદકામથી કિલ્લાનો ખર્ચ માથે પડયો

પાલિકાએ બે ફેઝમાં ઐતિહાસિક કિલ્લાને નવપલ્લવિત કરી દીધો છે, પરંતુ ચોકબજાર જંક્શન પર સતત ખોદકામ અને ડાયવર્ઝનને કારણે કિલ્લા સુધી પહાંેચવું જ મુશ્કેલ છે. ચોકબજારના કિલ્લા સુધી જવા માટે ચોક જંક્શન ખુલ્લં હોવું જોઇએ જેને બદલે ચોકથી મકકાઇ પુલ સુધીનો રસ્તો બંધ છે. રાજમાર્ગ પર ઠેર ઠેર મેટ્રોની કામગીરી ચાલી રહી છે જ્યારે ચોકથી મુગલીસરા મેઇન રોડ જવાનો રસ્તો પણ બંધ હાલતમાં છે. પાલિકાએ ખૂબ માવજતથી કિલ્લાને નવો ઓપ આપી જોવાલાયક બનાવી દીધો છે, પરંતુ ગણ્યાગાંઠયા લોકો જ કિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આવી સ્થિતિ આવતા પાંચ વર્ષ રહેવાની હોવાથી નવપલ્લવિત કિલ્લાનો નજારો જોવા કેટલા લોકો આવશે તે કહેવું મુશ્કેલ છે. હાલ તો કિલ્લા પાછળ થયેલો કરોડોનો ખર્ચ માથે પડયો છે.

પાલિકાની મુખ્ય કચેરીનો રસ્તો જ આઠ મહિનાથી બંધ

ચોકબજારથી મુગલીસરા પાલિકાની મુખ્ય કચેરી સુધીનો રસ્તો જ છેલ્લા આઠ મહિનાથી બંધ કરી દેવાયો છે. મેટ્રો રેલ કોરિડોરના પેકેજ ત્રણ અંતર્ગત સુરત રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધી મેટ્રો રેલ કોરિડોર અને અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે રૂ. 940 કરોડની કામગીરી જે કુમાર ઇન્ફ્રાને સોંપવામાં આવી છે. જીએમઆરસીએ જાન્યુઆરી 2021માં આ કામગીરી માટે જે કુમાર ઇન્ફ્રાને લેટર ઓફ એસેપ્ટન્સ ઇશ્યૂ કર્યો હતો. છેલ્લા આઠ નવ મહિનથી રાજમાર્ગ અને ચોકબજાર સહિતના વિસ્તારમાં કામગીરી માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. સમગ્ર શહેરનો વહીવટ પાલિકાની મુગલીસરા સ્થિત કચેરીથી થાય છે. પાલિકાની મુખ્ય કચેરી જ આઠ મહિનાથી કટ ઓફ છે. પાલિકા કચેરી જવા માટે કોટ વિસ્તારની આંતરિક ગલીકૂચી અથવા જીલાની બ્રિજનો ઉપયોગ કરવો પડે તેવી સ્થિતિ છે. અત્યાર સુધીમાં ફક્ત 22 ટકા જ કામગીરી થઇ છે.

  • Follow us on: