- સુરત મહાનગરપાલિકાનો નિર્ણય જાહેર હિતનો છે
- દુકાનદારોને જરુરી વળતર ચુકવવા તૈયાર
- આ પ્રકારના વિલંબથી બહુ મોટુ નુકસાન થાય છે : હાઈકોર્ટ
સુરતના મેટ્રોરેલ પ્રોજેક્ટ માટે અવરોધરુપ રુદરપુરા શોપિંગ કોમ્પ્લેક્સને ખાલી કરાવવા સામેનો વચગાળાનો સ્ટે હાઈકોર્ટે હટાવી દીધો છે. આ સાથે જ દુકાનો ખાલી કરાવવા અંગેના સુરત મહાનગરપાલિકાના હુકમને પડકારતી દુકાનદારોની અરજીને હાઈકોર્ટના સિંગલ જજે ફગાવી દીધી છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, સુરત મનપામાં જાહેરહિતમાં દુકાનો ખાલી કરાવે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ મેગા પ્રોજેક્ટમાં વિલંબ થાય તે યોગ્ય નથી. આ પ્રકારના વિલંબથી બહુ મોટુ નુકસાન થાય છે.
સુરત મનપાની રજૂઆત હતી કે, મેટ્રો રેલ પ્રોજેક્ટને અનુલક્ષીને તેમણે જાહેરહિતમાં રુદરપુરા શોપિંગ સેન્ટર ખાલી કરાવવા માટે ફેબ્રુઆરી-2021માં હુકમ કરેલો. સુરત મનપાએ દુકાનદારોને આ જગ્યા ભાડા કરારથી આપેલી અને તે કરાર વર્ષ 2016માં પૂર્ણ થયેલો છે. કરારમાં એવી શરત હતી કે સુરત મનપાને જાહેર કે અન્ય હેતુ માટે જ્યારે પણ આ જગ્યાની જરુર પડશે ત્યારે તે પરત લઈ શકશે. જેથી, દુકાનો ખાલી કરાવવાનો આ હુકમ યોગ્ય છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની રજૂઆત હતી કે, તે યોગ્ય ખરાઈ બાદ અસરકર્તા દુકાનદારોને જરુરી વળતર ચુકવવા તૈયાર છે.










