સુરતમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી પાણીની અસર થઈ છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા અનભ જેમ્સમાં આ ઘટના બની છે. પાણી પીધા બાદ 50 રત્નકલાકારોની તબિયત લથડી છે અને પીવાના પાણીના ફિલ્ટર સાથે કોઈએ છેડછાડ કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
2 રત્ન કલાકારો ગંભીર હોવાની જાણકારી
અનાજમાં નાખવાની દવા પાણીમાં ભેળવી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં તમામ અસરગ્રસ્ત રત્નકલાકારોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પણ 2 રત્ન કલાકારો ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.
પાણી પીધા બાદ ઝેરી દવાની અસર થઈ
મળતી જાણકારી મુજબ શહેરના કાપોદ્રા વિસ્તારમાં ડાયમંડની કંપનીમાં 50થી વધુ રત્નકલાકારોની પાણી પીધા બાદ ઝેરી દવાની અસર થઈ હતી. ત્યારે સારવાર માટે શહેરની કિરણ હોસ્પિટલમાં રત્નકલાકારોને દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 2 રત્ન કલાકારોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર હોવાની જણાવવામાં આવી રહ્યું છે.
જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે
પાણીની ટાંકીમાં કોઈ અસામાજિક તત્ત્વોએ સેલ્ફોસ નામની દવાની પડીકી નાખી હોવાનું સામે આવ્યું છે. ફિલ્ટર પાસેથી પડીકીઓ મળી આવી છે. જેથી પાણી પીધા બાદ રત્નકલાકારોને તેની ઝેરી અસર થઈ છે. આ સમગ્ર મામલે સીસીટીવીની ચકાસણી કર્યા બાદ અને ફોરેન્સિક ટીમની મદદથી વધુ તપાસ કરવામાં આવશે અને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.









