- દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી ખેરના લાકડાની ચોરીનો ભાંડો ફૂટ્યો
- મધ્યપ્રદેશના અલીરાજપુરમાં લાકડાનો કરાતો હતો સંગ્રહ
- ચાર વર્ષમાં કરોડોનું લાકડું સગેવગે થયાની આશંકા
પુષ્પા પિક્ચરને પણ ટક્કર મારે તેવું લાકડાચોરી કરવાનું મસમોટું રેકેટ સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેંજે ઝડપી પાડ્યું છે. માત્ર સુરત જ નહીં, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, દાહોદ, ભરુચ જિલ્લાના જંગલમાંથી અનામત કેટેગરીમાં આવતા ખેરના ઝાડ કાપી લાકડાં સગેવગે કરવાના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે.
મધ્યપ્રદેશના અલીરાજપુરમાં લાકડાનો કરાતો હતો સંગ્રહ
સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેંજે પાસ પરમિટ વગર વહન કરાતા ખેરના લાકડાં ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. આ ટ્રકના ડ્રાઈવરની પૂછતાછના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડી અહીંયા સંગ્રહ કરાયેલું 5.13 કરોડ રૂપિયાની કિંમતનું 2055 મેટ્રિક ટન ખેરનું લાકડું જપ્ત કર્યું હતું. આ ઉપરાંત ચોરી કરાયેલા ખેરના લાકડાંનો સંગ્રહ કરનાર ડેપો મેનેજરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેરના લાકડાની ચોરીનો ભાંડો ફૂટ્યો
બન્યું એવું કે, ગત 16મી જૂનના રોજ ખેરનાં લાકડાં ભરેલી ટ્રક વન વિભાગના અધિકારીઓએ ઝડપી હતી. ટ્રક ડ્રાઈવરની પૂછતાછ કરાતા તેણે ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જવાતું હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ વીતેલા ચાર વર્ષથી આ વેપલો કરી રહ્યો હોવાનું જણાવતા વન વિભાગના અધિકારી ઓએ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડ્યા હતા. અહીંયાથી તેઓને 2055 મેટ્રિક ટન લાકડું સંગ્રહ કરેલું મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 5.13 કરોડ રૂપિયા થાય છે. વન વિભાગે લાકડું જપ્ત કરી ડેપો મેનેજર આરીફઅલી અમજલઅલી મકરાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેની સામે લાકડાં ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તેની સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરાતા તેના જામીન નામંજૂર કરાયા હતા. બીજી તરફ આરીફઅલી મકરાની સાથે ખેરના લાકડા ચોરી પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
સમગ્ર રેકેટ કેવી રીતે પકડાયું..?
ગત 16મી જૂનના રોજ સુરત જિલ્લાના માંડવી દક્ષિણ રેંજના કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી વહેલી સવારે GJ-૩૧-T-૭૦૧૩ નંબરની લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ હતી. આ ટ્રકમાં તપાસ કરતા તેમાંથી ખેરના લાકડાં મળી આવ્યા હતા. ટ્રક ભરીને અનામત વૃક્ષ ખેરના લાકડાં મળતાં વન વિભાગના અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા. તેમની પાસેથી કોઈપણ પ્રકારની પાસ-પરમિટ નહીં મળતા મામલો ગંભીર જણાયો હતો. ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે આપેલા જવાબથી વન વિભાગના અધિકારીઓના પગતળેથી જમીન સરકી ગઈ હતી. દક્ષિણ ગુજરાતમાંથી ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જઈ ત્યાંથી સમગ્ર વહીવટ કરાતો હોવાનું સામે આવ્યું હતું. ડ્રાઈવરની કબૂલાતને આધારે અલીરાજપુરમાં તપાસ કરતા સમગ્ર રેકેટ ૫૨થી પડદો ઊંચકાયો હતો.
ચાર વર્ષમાં કરોડોનું લાકડું સગેવગે થયાની આશંકા
અનામત એવા ખેરના લાકડાં ચોરીનું ભોપાળું વીતેલા ચાર વર્ષથી ધમધમી રહ્યું હોવાનું વન વિભાગના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હવે સપ્તાહ પહેલા વન વિભાગની ટીમે પાડેલા દરોડામાં મધ્યપ્રદેશના ડેપોમાંથી 5.13 કરોડની કિંમતનું 2055 મેટ્રિક ટન લાકડું મળી આવ્યું હતું. તો પછી વીતેલા ચાર વર્ષમાં લાકડાચોરોએ કરોડો રૂપિયાની કિંમતના ખેરના ઝાડ કાપી બારોબાર લાકડા વેચી દીધા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હાલ તો લાકડાચોરોએ ચાર વર્ષમાં કેટલું લાકડું વેચ્યું તેનો તાગ મેળવવાની દિશામાં તપાસ ચાલી રહી છે.
4 વર્ષથી દક્ષિણ ગુજરાતના વન વિભાગના અધિકારીઓ-કર્મીઓ ગાઢ નિંદ્રામાં
પુષ્પા સ્ટાઈલથી વીતેલા ચાર વર્ષથી સુરત, નવસારી, વલસાડ, નર્મદા, દાહોડ, ભરુચ સહિતના જિલ્લાના જંગલોમાંથી ખે૨ના ઝાડનો ખાતમો બોલાવી રહ્યા હતા.. 'અલગ અલગ વિસ્તારના જંગલોમાંથી ખેરના ઝાડ કાપી ટ્રક મારફતે મધ્યપ્રદેશના અલીરાજપુર સુધી લઈ જવામાં આવતું હતું. હવે મધ્યપ્રદેશ સુધી દક્ષિણ ગુજરાતના અલગ અલગ રસ્તાઓ ૫૨થી ગેરકાયદે લાકડું ભરેલી ટ્રક પસાર થતી રહી આમ છતાં દક્ષિણ ગુજરાતના એકપણ DFO કે તેમની નીચેના કર્મચારી ઓને ભનક સુધ્ધાં આવી નથી. બીજા શબ્દોમાં કહીએ તો ચાર વર્ષથી ચાલતા લાકડા ચોરીકાંડમાં વન વિભાગના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે.













