ગુજરાત સરકાર દ્વારા લોકોને સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. પરંતુ સરકારી તંત્ર જાણે સરકારના પ્રયાસો અને આદેશોને ઘોળીને પી ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દી દર્દના કારણે કણસી રહ્યો હતો અને તબીબી અને નર્સિંગ સ્ટાફ આરામ ફરમાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સુરત સિવિલ હોસ્પિટલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને સારી સુવિધાઓ મળે અને ઝડપી તેમની ટ્રીટમેન્ટ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ સિવિલ હોસ્પિટલનું તંત્ર સરકારના પ્રયાસો પર પાણી ફેરવવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, એક દર્દી સારવાર માટે વલખાં મારી રહ્યો છે અને તબીબો તેની સામે જ આરામ ફરમાવતા નજરે પડી રહ્યાં છે. કોઈ મોબાઈલમાં તો કોઈ મહેંદી મુકવામાં વ્યસ્ત છે. કોઈને દર્દીના જીવનની ચિંતા ના હોય તેવું આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે.
દર્દી તેના દર્દને કારણે કણસી રહ્યો હતો અને ડોક્ટરો ઊંઘતા હતાં
સુરત સિવિલ તો ઠીક રાજ્યની અન્ય હોસ્પિટલોમાં પણ આ પ્રકારના અનેક બનાવો સામે આવતા હોય છે. ત્યારે સુરત સિવિલ તંત્રની વધુ એક લાલિયાવાડી સામે આવી છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ પણે જોવા મળે છે કે, એક તરફ દર્દી તેના દર્દને કારણે કણસી રહ્યો છે. હોસ્પિટલમાં બેડ પર આળોટી રહ્યો છે અને સારવાર માટે વલખાં મારી રહ્યો છે. આ પ્રકારની સ્થિતિમાં તેની ઝડપથી સારવાર કરવાને બદલે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ આરામ ફરમાવી રહ્યાં છે. એવું કહેવાય છે કે આ વાયરલ થયેલો વીડિયો રાત્રે બે વાગ્યાના સમયે સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડનો છે. આ સમયે જે ડોક્ટરો ફરજ પર હતાં તે સુઈ ગયા હોવાનું નજરે પડ્યું છે. બીજી તરફ સિક્યુરિટી વાળાને બોલાવીને વીડિયો ડીલિટ કરાવવા ખૂબ દબાણ કરાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.









