ગુજરાતમાં લૂંટેરી દુલ્હનના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હવે સુરત પોલીસે લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી છે. અમદાવાદના યુવક સાથે યુવતીએ લગ્ન કર્યા હતા ત્યાર બાદ તે લગ્નના બીજા જ દિવસે બહાનું કાઢી ભાગી છૂટી હતી. આ યુવતીએ પિતા ન હોવાનું કહીને રૂ. 1 લાખ માંગ્યા હતા ત્યાર બાદ પોલીસે ફરિયાદના આધારે ટોળકીને ઝડપી પાડી હતી.
લૂંટેરી દુલ્હનની ધરપકડ
સુરત શહેરના અઠવા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં નિકાહના નામે અમદાવાદ ખાતે રહેતા એક દિવ્યાંગ યુવક સાથે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પાંચ મહિલાની ગેંગે નિકાહનું નાટક રચીને યુવક પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા હતાં. બાદમાં નિકાહની રાત્રે જ દુલ્હન તેના પરિવાર સાથે ભાગી ગઈ હતી. આ સમગ્ર મામલે યુવકે અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ મહિલા ગેંગની ધરપકડ કરી છે તેઓની તપાસમાં ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.
પિતા ન હોવાનું કહીને રૂ. 1 લાખ માંગ્યા હતા
પીડિત યુવાન પોતાની પત્નીનો પરિવાર સમજી રહ્યો હતો. તે માત્ર લૂંટ માટે પાંચ યુવતી દ્વારા બનાવામાં આવેલી એક ગેંગ હતી. આ ગેંગમાં ખૂદ દુલ્હન જ પરિણીત છે. ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે લૂંટેરી ગેંગની સભ્ય અને એજન્ટ હીના (નરગીશબાનુ)ના સંપર્કમાં અમદાવાદનો દિવ્યાંગ યુવક આવ્યો અને નિકાહ માટે સુરતની સના નામની એક યુવતીને પસંદ કરી. બાદમાં એજન્ટ હીના દ્વારા યુવકને જણાવવામાં આવ્યું હતું કે, દુલ્હનની પિતા નથી. માતા અને બે બહેનો જ છે. આ ચડયંત્રમાં યુવતીની માતા બની ઝરીના ખાતુન, બહેન તરીકે મુસ્કાન અને શાહિસ્તા, એજન્ટ તરીકે હીના (નરગીશબાનુ) હાજર રહી હતી. સના નામની 18 વર્ષીય યુવતીને દુલ્હન તરીકે ઉભી કરવામાં આવી હતી. જ્યારે વાસ્તવમાં સનાના માતા-પિતાને આ નિકાહ વિશે કોઈ જાણ પણ નહોતી.
બાદમાં યુવક નિકાહ માટે તૈયાર થઈ જતાં એજન્ટ ઝરીના ખાતુને તેના નાનપુરા વિસ્તારમાં આવેલા ઘરે જ કરાવાયા હતા. જેમાં કાઝી તરીકે ઈર્શાદ પઠાણ નામના રિક્ષાચાલકે નિકાહ પઢવ્યા હતા. નિકાહ પછી દુલ્હન અને તેનો બનાવટી પરિવાર યુવક સાથે અમદાવાદ ગયો હતો, જ્યાંથી રૂપિયા રૂ. 1,00,000 પડાવી સુરત પરત ફર્યા હતો. ત્યારબાદ યુવકના સંબંધીઓના બધા ફોન નંબર બ્લોક કરી દીધા હતા. જ્યારે યુવકે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોઈ જવાબ મળ્યો નહીં. બાદમાં યુવકે ફરિયાદ કરવાની વાત કહેતા તમામ યુવતીઓએ યુવકને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી અપી હતી.
પોલીસે ફરિયાદના આધારે ટોળકીને ઝડપી પાડી
આ મામલે યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તરત જ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે પાંચ યુવતીને ઝડપી પાડી છે. આરોપીઓમાં ઝરીના ખાતુન (મેરેજ બ્યુરો ચલાવતી), સના (દુલ્હન), હીના (એજન્ટ), મુસ્કાન અને શાહિસ્તા (દુલ્હનની બહેન બની હતી)નો સમાવેશ થાય છે. તમામ મહિલાઓ લિંબાયત, નાનપુરા અને સલાબતપુરા જેવા વિસ્તારોમાં રહે છે અને જુદી જુદી ઓળખ બનાવી લોકો સાથે લગ્નના નામે ઠગાઈ કરે છે. સૌથી મહત્વની વાત છે કે, સનાની બે બહેનપણી સગી બહેનો બનીને યુવક સામે ગઈ હતી. એક લાખ રૂપિયામાં તમામ લોકો ભાગે વહેસણી કરવાના હતા સમગ્ર મામલે પાંચ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. લગ્નના નામે એક લાખ રૂપિયા પડાવવાના કિસ્સામાં કાર્યવાહી થઈ રહી છે. આરોપીઓએ આવા અન્ય અનેક લોકો સાથે પણ આવી રીતે લૂંટ કરી છે કે નહિ તે અંગે તપાસ ચાલી રહી છે.










