સુરતમાં નબીરાઓ બેફામ બન્યા છે. નબીરાઓ બેફામ બની ચાલુ કારે દરવાજો ખોલી યુવક બહાર લટકયાનો વીડિયો વાયરલ થયો. જોખમી સ્ટંટ કરતા યુવાનનો વીડિયો સામે આવતા પોલીસ નબીરાઓની શોધખોળ હાથ ધરી. હાલમાં અમદાવાદના ફતેવાડી પાસે ત્રણ યુવાનો રીલના ચક્કરમાં કેનાલમાં ડૂબ્યા. ફતેવાડી પાસે ત્રણ યુવાનો રિલ બનાવતા હતા દરમિયાન અચાનક સ્કોર્પિયો ગાડી કેનાલમાં પડી ગઈ. આ ઘટનામાં એક સગીર અને બે યુવાનના મોત નિપજયા હતા.
વીડિયો મોટા વરાછા વિસ્તારનો
બેફામ બની જોખમી સ્ટંટ કરતા યુવાનનો વાયરલ વીડિયો મોટા વરાછા વિસ્તારનો હોવાનું માનવામાં આવે છે. સામે આવેલ વીડિયોમાં દેખાય છે કે રોડ પર ત્રણ ગાડીઓ આગળ-પાછળ એમ સમાતરે ચાલી રહી છે. ત્યારે વચ્ચેની કારમાં બેસેલ યુવક અચાનક દરવાજો ખોલી ઉભો રહે છે અને આ કારની પાછળ આવતી ગાડીમાં બેસેલ યુવક તેનો વીડિયો ઉતારી રહ્યો છે. વધુ આશ્ચર્ય એ વાતનું છે કે યુવક ડ્રાઇવિંગ કરતી વખતે જ અચાનક કારનો દરવાજો ખોલી ઉભા રહી પોતાની કારીગીરી બતાવતો વીડિયો શૂટ કરાવે છે. અને આ સ્ટંટ કરનાર કાર ચલાવતા યુવકની આગળ જે કાર જાય છે તેમાં ડ્રાઈવર સીટ પર બેસેલ વ્યક્તિ પણ ચાલુ કારે દરવાજો ખોલે છે. ગંભીર અકસ્માતને નોતરે તેવો સ્ટંટ કરતા કાર ચાલકનો વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે.
જોખમી સ્ટંટ કરતા યુવાનોની કરાશે અટકાયત
અમદાવાદની ફતેવાડી ઘટનામાં રીલના ચક્કરમાં ત્રણ યુવાનો ભોગ બન્યા. ભોગ બનેલા યુવાનોના માતાપિતાને લોકોને અપીલ કરી રહ્યા છે કે આવું ગાંડપણ ના કરો. તમારી એક મિનિટની રીલ માતાપિતાની આખી જીંદગીની મૂડી ખતમ કરી નાખે છે. માતાપિતા પોતાના સંતાનોને લઈને અનેક સપના જોતા હોય છે ત્યારે સોશિયલ મીડિયામાં પોપ્યુલર થવાની લ્હાયમાં યુવાનીના મદમાં ગંભીર અકસ્માતને આમંત્રણ આપે છે. માતાપિતા તેમજ તંત્ર દ્વારા આવા જોખમી સ્ટંટ ના કરવાની અપીલ કરવામાં આવતી હોય છે. છતાં પણ યુવાનો બેફામ બની તમામ સૂચના અને કાયદાની અવગણના કરી આવા જોખમી સ્ટંટના વીડિયો બનાવી રહ્યા છે. તંત્ર દ્વારા આવા જોખમી સ્ટંટ સામે આગામી સમયમાં વધુ કડક વલણ અપનાવવામાં આવી શકે છે. વરાછા વિસ્તારના જોખમી સ્ટંટ કરતા યુવાનોની શોધખોળ કરી પોલીસ અટકાયત કરે તેવી સંભાવના છે.