સુરતના કામરેજમાં ટ્રેલર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે સુરતના કામરેજ ચાર રસ્તા નજીક ઉદ્યોગ નગર બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો.ટ્રેલર ચાલકે એક બોલેરો પીક અપ,એક ક્રેન,એક પોલીસ PCR વેન અને એક ટ્રકને અડફેટે લીધા હતાં. જેમાં બોલેરો ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રાફિક પોલીસના બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતાં. પોલીસે ટ્રેલર ચાલક સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉદ્યોગ નગર બ્રિજ પર એક બોલેરો પીકઅપ બ્રેક ડાઉન થઈ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈકાલે મોડી રાત્રે સુરતના કામરેજ ચાર રસ્તા નજીક ઉદ્યોગ નગર બ્રિજ પર એક બોલેરો પીકઅપ બ્રેક ડાઉન થઈ હતી. જેથી તેને ખસેડવા માટે ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ પહોંચી હતી. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે એક બોલેરો પીક અપ ,એક ક્રેન ,એક પોલીસ પી સી આર વેન અને એક ટ્રકને અડફેટે લીધા હતાં અને સામેના ટ્રેક પર પહોંચી ગયું હતું.
બોલેરો પીકઅપના ચાલકનું મોત નિપજ્યું હતું
આ ઘટનામાં ટોઈંગ કરી રહેલા બોલેરો પીકઅપના ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રાફિક પોલીસના બે જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા હતાં. આ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ત્યાથી ફરાર થઈ ગયો હતો. ટ્રક ચાલક સામે પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રક ચાલકનું નામ નિસાર હોવાનું અને તે મુળ અલવર જિલ્લાનો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.









