કમોસમી વરસાદના માવઠાએ ફરી એકવાર જગતના તાતની કમર તોડી નાખી છે. ઓલપાડ તાલુકામાં કમોસમી વરસેલા વરસાદને કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થવાની ભીતિએ ખેડૂત ડાંગરને રસ્તાઓ પર સૂકવવા મજબુર બન્યા છે. સાથે જ ખેડૂતોએ પોલીસ અને પ્રશાસન સાથે રહેતા આભાર માન્યો હતો.
ડાંગરના પાકને મોટું નુકસાન
થોડા સમય પહેલા દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વાવાઝોડા સાથે વરસેલા વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન કેરી પકવતા ખેડૂતો અને ડાંગર પકવતા ખેડૂતોને થયું છે. કેમ કે બંને પાકની સીઝન તૈયાર હતી અને આ વાવાઝોડા સાથે વરસાદ વરસતા મોટા ભાગના આંબા પરથી કેરી ખરી ગઈ હતી જયારે ડાંગરનો પાક પણ મોટા પ્રમાણમાં જમીનદોસ્ત થઇ ગયો હતો.
ભારે વરસાદથી ખેડૂતો થયા નારાજ
ઓલપાડ તાલુકાના બોલાવ ગામે પણ કંઈક આવી જ પરિસ્થિતિ નું નિર્માણ થયું છે. સુરત જિલ્લામાં ચાલુ વર્ષે લગભગ 80 હજાર એકર જેટલું ઉનાળુ ડાંગરની રોપણી કરવામાં આવી હતી અને જેમાં આશરે 12 હજાર હેક્ટરથી વધુ તો માત્ર ઓલપાડ તાલુકામાં જ રોપણી કરવામાં આવી છે. ઓલપાડ તાલુકાના ખેડૂતો પહેલા શેરડીનો પાક સૌથી વધુ લેતા હતા પરંતુ આ વિસ્તારમાં ભૂંડના અસહ્ય ત્રાસને કારણે હવે ખેડૂતો ડાંગરની ખેતી તરફ વળ્યા છે અને ડાંગરનો પાક લઇ રહ્યા છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી તેમાં પણ કુદરત જાણે ખેડૂતોથી નારાજ હોઈ એમ પાક તૈયાર થાય ત્યારે જ કમોસમી વરસાદ, વાવાઝોડાનો માર સહન કરી રહ્યા છે.
વરસાદથી ખેતરમાં ઉભેલો ડાંગરનો પાક પલળ્યો
કમોસમી વરસાદની અસર ઓલપાડ તાલુકામાં મોટાપાયે જોવા મળી છે. સતત વરસેલા વરસાદને કારણે મોટા ખેતરમાં ઉભેલો ડાંગરનો પાક પલળી ગયો હતો. હાલ જ્યારે બે દિવસથી ફરીથી ઉઘાડ નીકળતા હવે ખેડૂતો પોતાનો તૈયાર પાક ફટાફટ કાપણી કરી રહ્યા છે. જોકે ખેડૂતોની મજબૂરી છે કે, ખેતરોમાં અને રસ્તાઓ પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને ભીંજાઈ ગયેલા પાક સુકવવાની જગ્યા નથી મળી રહી જેને લઇ ખેડૂતો મજુરીના વધારે પૈસા ખર્ચી ખેતરથી મુખ્ય માર્ગ સુધી લાવી મુખ્ય માર્ગ પર પાક સૂકવવા મજબૂર બન્યા છે
ડાંગરનો પાક પલળી જવાને કારણે હવે ખેડૂતોને ડાંગરના જોઈએ તેવા ભાવ નથી મળવાના કારણે કે પાક તૈયાર હતો. તો બીજી તરફ સરકાર દ્વારા જાહેર કરેલા ટેકાના ભાવ પણ ખુબ ઓછા છે. ખેડૂતો પાકની કાપણી કરી સીધા ટ્રેક્ટર ભરીને પાકને મંડળી અથવા તો પૌવા મિલ પર મોકલી આપતા હતા. પરંતુ પાક પલળી જવાના કારણે હવે ખેતરથી રોડ સુધી લાવવાનો અને રોડ પર સૂકવવાનો મજુરીનો ખર્ચનો બોજો ખેડૂતોના માથે પડ્યો છે. ત્યારે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર નુકસાનીનું સર્વે કરી ડાંગરનાની નુકસાનીનું વળતર ચૂકવે અને ટેકાના ભાવ પણ વધારે એવી માગ કરી રહ્યા છે.










