• નશામાં ચૂર ઓડી ગાડીના ચાલક રિંકેશ ભાટિયાની ધરપકડ

  • આરોપીનું લાયસન્સ રદ કરવા RTOને પોલીસે કર્યો રિપોર્ટ
  • લોકોએ ચાલકને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો

સુરતમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના વેસુ વિસ્તારમાં વેસુ કેનાલ રોડ પર પુરપાટ ઝડપે ગાડી દોડાવી રહેલા ચાલકે 8થી વધુ જેટલા વાહનચાલકોને અટફેટે લીધા હતા, જેમાં 3 વાહનચાલકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે જાણવા મળી રહ્યું છે કે ગાડીનો ચાલક નશાની હાલતમાં હતો.

8થી વધુ જેટલા વાહનચાલકોને ધડાધડ ઉડાડ્યા

હવે આ સમગ્ર કેસ મામલે મોંઘીદાટ ઓડી ગાડીના પિધ્ધડ ચાલક રિંકેશ ભાટિયાની અલથાણ પોલીસે ધરપકડ કરી છે અને બે અલગ અલગ ગુના નોંધ્યા છે, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને અકસ્માતની નવી કલમો હેઠળ ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નશામાં ચૂર કાર ચાલક નબીરાએ રસ્તામાં મોપેડ, બાઈક સહિત 8થી વધુ વાહનોને ધડાધડ ઉડાડી દીધા હતા અને ગાડીનું ટાયર અચાનક ફાટી જતા થોડે દૂર જ ગાડી થંભી ગઈ હતી. ત્યારબાદ આસપાસ હાજર રહેલા લોકોએ કાર તરફ દોટ મુકી અને ચાલકને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો, જો કે ચાલક ત્યારબાદ ભાગવામાં સફળ રહ્યો હતો અને ત્યાંથી ભાગી છુટ્યો હતો.

નબીરાનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરાશે

ત્યારે હાલમાં પોલીસે કાર ચાલક સામે ભારતીય દંડ સંહિતાની નવી કલમો મુજબ અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને આરોપી રિંકેશ ભાટિયા સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને પ્રોહિબિશનની ફરિયાદ નોંધી છે અને આરોપીનું લાઈસન્સ રદ કરવા RTOને પોલીસે રિપોર્ટ કર્યો છે, નબીરાનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવામાં આવશે. 

  • Follow us on: