સુરેન્દ્રનગર જિલ્લામાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આગામી તા. 23મી માર્ચના રોજ ગુજકેટની પરિક્ષાનું આયોજન કરાયુ છે. જેમાં સુરેન્દ્રનગર શહેરના 8 પરીક્ષા સ્થળે બનાવાયેલા 54 બ્લોકમાં 1398 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. પરીક્ષા માટે 8 સ્થળે સ્થળ સંચાલક, વર્ગ-1 કક્ષાના 8 ઓબ્ઝર્વર અને બ્લોક સુપરવાઈઝર્સની પણ નિમણુંક કરી દેવાઈ છે.


ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઈજનેરી અને મેડીકલ ક્ષેત્રે પ્રવેશ માટે જરૂરી એવી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા સમગ્ર રાજયની સાથે ઝાલાવાડમાં પણ તા. 23મી માર્ચને રવિવારે યોજાનાર છે. જિલ્લામાં પરીક્ષા માટેની સંપુર્ણ વ્યવસ્થા કરી દેવાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા અને ગુજકેટના ઝોનલ બીપીનભાઈ પટેલના જણાવાયા મુજબ જિલ્લામાં ગુજકેટ માટે 1398 વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષા માટે શહેરની આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ, કે.પી.ગર્લ્સ હાઈસ્કૂલ, વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલ, જે.એન.વી. વિદ્યાલય, એન.ડી.રાવલ ન્યૂ ઈંગ્લીશ હાઈસ્કૂલ, પી.જી.એન.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ, ડી.એન.ટી.હાઈસ્કુલ, આર.એ.પટેલ બોયઝ સ્કૂલને પરીક્ષા સ્થળ બનાવાયા છે. સંપૂર્ણ સીસીટીવી યુકત આ પરીક્ષા સ્થળોએ 1398 વિદ્યાર્થીઓ માટે 54 બ્લોક બનાવાયા છે. તા. 23 માર્ચના રોજ પરીક્ષા સવારે 10થી સાંજના 4 દરમિયાન 3 સેશનમાં લેવાશે. જેમાં વિદ્યાર્થીઓને 9-30 કલાકે પ્રવેશ મેળવવાનો રહેશે. પ્રથમ સેશન ફીઝીકસ અને કેમેસ્ટ્રી માટે સવારે 10થી 12માં 1,398 છાત્રો પરીક્ષા આપશે, બીજા સેશનમાં બાયોલોજી માટે 1થી 2માં 895 છાત્રો અને તૃતીય સેશન મેથ્સ માટે 3થી 4 દરમિયાન 504 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. પરીક્ષા શાંતિપુર્વક લેવાય તે માટે એસ.ટી. વિભાગ, વીજ કંપનીને પણ તાકીદ કરી દેવાઈ છે.


  • Follow us on: