• લખતર તાલુકાના કડુ પાસે મિની બસ પલટી ખાતાં રાજસ્થાનના 7 મુસાફરોને ઈજા

  • મૂળીના ગઢાદ પાસે ઈકો કાર અને પિકઅપ વાન અથડાતાં 1નું મોત થયું હતું.
  • કડુ પાસે મીની બસ પલટી ખાતા 7 મુસાફરોને ઈજા પહોંચી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના 4 બનાવ બન્યા છે. જોરાવરનગરમાં રહેતા વિશાલભાઈ નરેન્દ્રભાઈ રાજગોર ગુરૂવારે સવારે ઈકો કાર લઈને મૂળીથી થાન તરફ જતા હતા. ત્યારે ગઢાદ પાસે પહોંચતા સામેથી આવી રહેલી પીકઅપ વાન સાથે અકસ્માત સર્જાયો હતો.

જેમાં ઈકોમાં સવાર વિશાલભાઈ રાજગોરનું મોત થયુ હતુ. જયારે પીકઅપવાનમાં સવાર ભુપેન્દ્રભાઈ કૈલાસભાઈ પ્રજાપતિ, વિજય રમેશભાઈ પ્રજાપતિને ઈજાઓ થતા સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ લઈ જવાયા હતા.

જયારે બનાવની જાણ થતા મૂળી પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતકની લાશને મુળી સરકારી દવાખાને ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જયારે રાજસ્થાનના જયપુરમાં રહેતો ગુપ્તા પરીવાર મીની બસ લઈને દ્વારકા દર્શને આવ્યો હતો અને દ્વારકાથી જયપુર પરત જતો હતો. ત્યારે ગુરૂવારે સવારે લખતરના કડુ પાસે મીની બસનું ટાયર ફાટતા બસ રસ્તાની બાજુના ખેતરમાં પલટી મારી ગઈ હતી. જેમાં 7 મુસાફરોને ઈજાઓ થઈ હતી. બનાવની 108ને જાણ થતા ટીમે દોડી જઈ ઈજાગ્રસ્તોને લખતર સરકારી દવાખાને લઈ જવાયા હતા. જેમાં 45 વર્ષીય અનુરાધાબેન ગુપ્તા, 2 વર્ષીય જીયાન્સ ગુપ્તા અને 21 વર્ષીય નીકીતા ગુપ્તાને વધુ ઈજા થવાથી સુરેન્દ્રનગર રીફર કરાયા છે. આ ઉપરાંત ચોટીલાના કાળાસર ગામે રહેતા હરેશભાઈ ગેલાભાઈ બલ્યા ચોટીલાથી કાળાસર બુલેટ લઈને જતા હતા. ત્યારે આણંદપુર રોડ પર એક બાઈકને ઓવરટેક કરવા જતા બાઈક ચાલકે બુલેટ પાછળ ભટકાડી અકસ્માત કર્યો હતો. જેમાં હરેશભાઈ નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ચોટીલા દવાખાને લઈ જવાયા હતા. જેમાં હરેશભાઈનું મોત થયુ હતુ. બનાવની ગેલાભાઈ દેવાભાઈ બલ્યાએ ચોટીલા પોલીસ મથકે અજાણ્યા બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એ.જે.જાદવ ચલાવી રહ્યા છે.

બીજી તરફ ચોટીલાના વડાળી ગામે રહેતા વિશાલભાઈ દાનાભાઈ વાઘેલા તા. 18મીએ સાંજે બાઈક લઈને ચોટીલાથી વડાળી તરફ જતા હતા. ત્યારે પાંચવડા ગામ પાસે સામેથી આવતા ટ્રક ચાલકે બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં વિશાલભાઈને ઈજાઓ પહોંચી હતી. આથી તેઓને સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. બનાવની રમેશભાઈ વાઘેલાએ ચોટીલા પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ડી.કે.ડોડીયા ચલાવી રહ્યા છે.


  • Follow us on: