સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે, લીંબડીના રળોલ ગામ પાસે અને સુરેન્દ્રનગર શહેરમાં અકસ્માતના 3 બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર રાજસીતાપુર પાસે ર બાઈક સવારના મોત થયા છે. જયારે રળોલ પાસે ટ્રીપલ અકસ્માતમાં ટેન્કર ચાલકનું મોત થયુ છે. બીજી તરફ સુરેન્દ્રનગરમાં બાઈક અડફેટે મહિલા સફાઈ કામદારને ઈજા પહોંચી છે.


લખતર તાલુકાના પેઢડા ગામે રહેતા ભરતભાઈ બાબુભાઈ વિઠ્ઠલાપરા અને પંચમહાલ જિલ્લાના ગુલાબભાઈ રમેશભાઈ મછાર બાઈક પર મંગળવારે મોડી સાંજે ધ્રાંગધ્રા જતા હતા. ત્યારે રાજસીતાપુર પાસે આવેલ પેટ્રોલપંપ પાસે બાઈક એક રીક્ષા સાથે અથડાયુ હતુ. અને બાઈક ચાલક ભરતભાઈએ કાબુ ગુમાવતા સામેથી આવતા બાઈક સાથે અકસ્માત થયો હતો. જેમાં બન્ને બાઈક સવાર નીચે પટકાયા હતા. બનાવની જાણ થતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અને 108 દ્વારા બન્નેને સારવાર માટે રાજસીતાપુર પીએચસી લઈ જવાયા હતા. જયાં બન્નેના મોત થયા હતા. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના રાજસીતાપુર ઓપીના અનીરૂધ્ધસીંહ સહિતનાઓએ દોડી જઈ બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. જયારે લીંબડી તાલુકાના રળોલ ગામે રહેતા અલારખાભાઈ ઉસ્માનભાઈ વારૈયા ટ્રકમાં કલીનર તરીકે કામ કરે છે. તા. 12-12ના રોજ તેઓ ડ્રાઈવર ગુલામભાઈ ઈસ્માઈલભાઈ વારૈયા સાથે કંડલાથી ટેન્કરમાં સાયકલોએકજીન લીકવીડ ભરીને વડોદરા ખાલી કરવા ગયા હતા. જયાંથી તા. 13ના રોજ સાંજે પરત રળોલ આવતા હતા. ત્યારે રળોલ ગામમાં જવા માટે ડીવાઈડર ક્રોસ કરતા સમયે સામેથી આવતુ ટેન્કર નજીક આવી જતા ગુલામભાઈએ ટેન્કર રોકી દીધુ હતુ. સામેથી આવતા ટેન્કરે જોરદાર બ્રેક મારવા છતાં તેમનું ટેન્કર અલારખાભાઈના ટેન્કર સાથે અથડાયુ હતુ. અને અલારખાભાઈનું ટેન્કર રસ્તાની સાઈડમાં પડેલ આઈશર સાથે ભટકાતા આઈશર અને ટેન્કર રસ્તાની સાઈડમાં ઉતરી ગયુ હતુ. જેમાં સામેના ટેન્કરના ડ્રાઈવર દેવભુમી દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના પ્રવીણસીંહ હેમંતસીંહ ચુડાસમાનું અવસાન થયુ હતુ.

જયારે અલારખાભાઈને ઈજાઓ પહોંચતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ પી.બી.જાડેજા ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં બાઈક અડફેટે મહિલા સફાઈ કામદારને ઈજા

રતનપરના વાલ્મીકીનગરમાં રહેતા 54 વર્ષીય હીરાબેન મનસુખભાઈ વાળોદરા સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલીકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. તા. 15-12ના રોજ સવારના સમયે તેઓ બહુચર હોટલ પાસે ડો. કમલેશ પરીખના દવાખાના પાસે સફાઈ કામગીરી કરતા હતા. જેમાં રસ્તા પર સફાઈ કરી કચરો એકઠો કરી રોડની સામે બાજુ આવેલ કચરા ટોપલીમાં નાંખવા જતા હતા. ત્યારે એક અજાણ્યા બાઈક ચાલકે પુરઝડપે ચલાવીને તેઓને અડફેટે લીધા હતા. જેમાં હીરાબેનને ડાબા પગે ઘુંટણમાં ઈજા થતા સારવાર માટે સી.જે.હોસ્પીટલ લઈ જવાયા હતા. બનાવની બાઈક ચાલક સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી હિતેશ પંડયા ચલાવી રહ્યા છે.


  • Follow us on: