સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી-બજાણા રોડ, પાનવા ગામે ખેતરમાં અને થાન-મોરથળા રોડ પર 3 દરોડા કર્યા હતા. જેમાં 3 આરોપીઓ દારૂ, રિક્ષા, મોબાઈલ, બોલેરો પીકઅપ સહિત રૂપીયા 11,17,890ની મત્તા સાથે ઝડપાયા છે.
બજાણા પોલીસેને પાટડીથી બજાણા તરફ બોલેરો પીકઅપમાં સેન્ટીંગના સામાનની આડમાં દારૂ જતો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી હતી. જેમાં રાજસ્થાનના મુલારામ ગોમારામ જાટ અને ક્રીષ્નારામ મુલારામ જાટને વિદેશી દારૂની 456 બોટલ કિંમત રૂપીયા 2,55,861, અને રૂપીયા પ લાખની બોલેરો સહિત રૂપીયા 7,73,861ની મત્તા સાથે ઝડપી લેવાયા હતા. જયારે થાન પોલીસની ટીમને થાનથી મોરથળા તરફના રોડ પર શંકાસ્પદ રિક્ષા આવતા તેને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે રિક્ષા ચાલક રાજકોટના જંગલેશ્વરમાં રહેતા બસીર ઈબ્રાહીમભાઈ વસાણીને વિદેશી દારૂની 96 બોટલ કિંમત રૂપીયા 59,712, રૂપીયા 1.50 લાખની રિક્ષા, સહિત રૂપીયા 2,19,712ની મત્તા સાથે ઝડપી લીધો હતો. આ શખ્સની પુછપરછમાં આ દારૂ વાંકાનેરના ધમલપરના નરેશે સારસાણાની સીમમાં આવેલ ધીરૂ ભુપતભાઈ કોળીની વાડીએથી ભરાવી આપ્યો હોવાનું સામે આવતા પોલીસે રિક્ષા ચાલકને સાથે રાખી ધીરૂની વાડીએ રેડ કરી હતી. જેમાં ધીરૂ હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે જારના પુળા નીચેથી વિદેશી દારૂ 36 બોટલ કિંમત રૂપીયા 22,392નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દસાડા પોલીસે પાનવા ગામે રેડ કરી વિદેશી દારૂની નાની મોટી 402 બોટલો કિંમત રૂપીયા 41,154 અને બીયરના 165 ટીન કિંમત રૂપીયા 20,625 મળી કુલ રૂપીયા 61,804નો મુદ્દામાલ ઝડપાયો હતો. આ દારૂ બાબતે ખેતરમાં હાજર કાંતીભાઈ અજમલભાઈ મકવાણાને પુછતા આ ખેતર દાનાભાઈ વીરાભાઈનું હોવાનું તેઓ ભાગવુ રાખી વાવતા હોવાનું અને દારૂ પોતાનો નથી તેમ જણાવ્યુ હતુ. જયારે પોલીસે વધુ તપાસ કરતા આ દારૂ સીધ્ધરાજ ઈશ્વરભાઈ પાનેચાનો હોવાનું તથા ખેતર માલીકની જાણ બહાર તેને સંતાડયો હોવાનું સામે આવતાં તેને ઝડપી લેવા ચક્રો ગત્તિમાન કર્યાં છે.










