સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે વધુ 5 અકસ્માતના બનાવમાં 3 વ્યક્તિએ જિંદગી હોમાઈ છે. જેમાં લખતરના ઝમર પાસે બાઈક ચાલક ગ્રામસેવક યુવાનનું કારની ઠોકરે મોત થયુ છે. જયારે ધ્રાંગધ્રાના રામપરા પાસે 2 બાઈક અથડાતા શ્રામજીવી યુવાન મોતને ભેટયો છે.


બીજી તરફ લીંબડીના દેવપરાના બોર્ડ પાસે બંધ ટ્રક પાછળ ઘૂસી જતા પરપ્રાંતીય ટેન્કર ચાલકનું મોત થયુ છે. બનાવની ફરિયાદો નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.લખતરના ઉગમણા દરવાજા અંદર કુંભાર શેરીમાં રહેતા 51 વર્ષીય હસમુખભાઈ અમરશીભાઈ લખતરીયાનો દિકરો 22 વર્ષીય રવિભાઈ વઢવાણ તાલુકા પંચાયતમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવે છે. અને બાઈક લઈને અપડાઉન કરે છે. તા. 29-11ના રોજ સાંજે તે બાઈક લઈને લખતર આવી રહ્યો હતો. ત્યારે ઝમર પાસે પાછળથી આવેલ એક અલ્ટો કારે બાઈકને ઠોકર મારતા રવી બાઈક સહિત નીચે પટકાયો હતો. જયારે કાર રસ્તાની સાઈડમાં ખાળીયામાં ઉતરી ગઈ હતી. અને ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા પરીવારજનો ઝમર દોડી ગયા હતા. અને લોહી નીકળતી હાલતમાં રવીને સારવાર માટે દવાખાને લઈ જતા ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક રવીની બન્ને બહેનો રીધ્ધીબેન અને રીટાબેન કંડકટર તરીકે ફરજ બજાવે છે. અને બન્ને બહેનોએ હૈયાફાટ રૂદન સાથે ભાઈને મુખાગ્ની આપી હતી. બનાવની લખતર પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એચ.એમ.ઝાલા ચલાવી રહ્યા છે. જયારે મુળ નડીયાદના 53 વર્ષીય દીપકભાઈ મોહનભાઈ દેવજાણી હાલ રાજકોટ રહે છે અને ટ્રક ડ્રાઈવીંગ કરે છે. તા. 26-11ના રોજ તેઓ તેલના ડબા ભરીને ટ્રક લઈને અંકલેશ્વર, સુરત, સોનગઢ ગામે ખાલી કરવા જતા હતા. ત્યારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર લીંબડીના દેવપરાના બોર્ડ પાસે તેમના ટ્રકની ડ્રાઈવર સાઈડના વ્હીલની રીંગ તુટી જતા ટાયર ફાટયુ હતુ. આથી તેઓ ટ્રકની ફરતે આડશ મુકી, ઈન્ડીકેટર ચાલુ કરી પંચર કરાવવા ગયા હતા. જયાંથી પરત આવીને જોતા તેમના ટ્રકના ઠાંઠામાં એક ટેન્કરનું એકસીડેન્ટ થયુ હતુ. જેમાં ચાલક બેભાન હતો. આથી તેઓને સારવાર માટે દવાખાને લઈ જવાતા ડોકટરે મૃત જાહેર કર્યા હતા. મૃતકનું નામ મોહમ્મદરાશીદ અબ્દુલમુતલીમ અન્સારી હતુ અને તે ઉત્તરપ્રદેશનો રહેવાસી હતો. બનાવની મૃતક સામે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ નીતીનદાન મોડ ચલાવી રહ્યા છે. બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામના અજયભાઈ રામસંગભાઈ થરેસા વાડી ભાગવી રાખી મજુરી કરે છે.

તા. 28-11ના રોજ સાંજે તેમનો નાનો ભાઈ 19 વર્ષીય અક્ષય થરેસા બાઈક લઈને વાડીએથી કોંઢ પાઉભાજી લેવા ગયો હતો. ત્યારે રામપરા રોડ પર પેટ્રોલપંપ પાસે કોંઢના બાઈક ચાલક હરદેવસીંહ જશુભા ચૌહાણ સાથે અક્ષયના બાઈકનો અકસ્માત થયો હતો. જેમાં બન્નેને ઈજા થતા સારવાર માટે ધ્રાંગધ્રા લઈ જવાયા હતા. જેમાં ડોકટરોએ અક્ષયને મૃત જાહેર કર્યો હતો. બનાવની મૃતકના મોટાભાઈ અજયભાઈ થરેસાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી બી.એન.ચાવડા ચલાવી રહ્યા છે.


  • Follow us on: