સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના 4 બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં વૃધ્ધનું મોત થયુ છે. જયારે બાળક સહિત 3ને ઈજાઓ પહોંચી છે. ચુડાના ભૃગુપુરથી કાર લઈને લીંબડી લગ્નમાં આવતા પરીવારની કાર પલટી ખાતા વૃધ્ધનું મોત થયુ છે. જયારે બાળકને ઈજા પહોંચી છે. બીજી તરફ સફાઈ કામગીરી કરતા મનપાના સફાઈ કામદારને કાર અડફેટે ઈજા પહોંચી છે.
ચુડા તાલુકાના ભૃગુપુર ગામે રહેતા 65 વર્ષીય હમીરભાઈ ભગવાનભાઈ મકવાણા પ્રયાગરાજ કુંભમેળામાંથી તા.1-3-2025ના રોજ વહેલી સવારે ઘરે પરત આવ્યા હતા. અને તે જ દિવસે તેમના બહેનના ઘેર લીંબડી લગ્નનો પ્રસંગ હોય બપોરના સમયે કાર લઈને લીંબડી ભૃગુપુરથી લીંબડી જતા હતા. જેમાં કારમાં તેઓના ભાણેજ 14 વર્ષીય મીત અને 5 વર્ષીય વીયાન્સ સાથે હતા. ત્યારે ભુગુપુરથી કારોલ તરફ આવતા રસ્તામાં કાર પલટી ખાઈ ગઈ હતી. બનાવની જાણ થતા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય તનકસીંહ રાણા સહિતનાઓ દોડી ગયા હતા. અને ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી 108માં સારવાર માટે હમીરભાઈ અને મીતને લીંબડી સરકારી દવાખાને પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. જેમાં સમલા પાસે પહોંચતા હમીરભાઈનું મોત થયુ હતુ. બનાવની મૃતકના પુત્ર અરવિંદભાઈ હમીરભાઈ મકવાણાએ ચુડા પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાવી છે. આ અંગે વધુ તપાસ એએસઆઈ ડી.પી.બારૈયા ચલાવી રહ્યા છે. જયારે મુળ રતનપરના નારાયણપરાના 29 વર્ષીય રવીભાઈ સાગરભાઈ સાંતોલા હાલ રતનપરના ખાણ વિસ્તારમાં રહે છે. તેઓ જીઆઈડીસીના કારખાનામાં મજુરી કરે છે. તા. 16-2-2025ના રોજ તેઓ બાઈક લઈને રાજકોટ બાયપાસ પર આવેલ પેટ્રોલપંપે પેટ્રોલ પુરાવવા ગયા હતા. જયાંથી બહાર નીકળતા સમયે ગણપતી ફાટસર તરફથી આવતી અલ્ટો કારના ચાલકે તેઓને અડફેટે લીધા હતા અને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં રવીભાઈને પગમાં ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની ફરાર કાર ચાલક સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ ડી.જે.ઝાલા ચલાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હંસાબેન કાળુભાઈ શહેરની બહુચર હોટલ પાસે રસ્તા પર સફાઈ કરી રહ્યા હતા. ત્યારે ગ્રે કલરની પુરઝડપે પસાર થતી કારના ચાલકે હંસાબેન સાથે અકસ્માત કર્યો હતો. જેમાં તેઓને માથે, પગે અને હાથ પર ઈજા થતા સારવાર માટે શહેરની ગાંધી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ સમયે સફાઈ કામદારોના પ્રતીનીધી મયુરભાઈ પાટડીયા સહિતનાઓ હોસ્પિટલ દોડી ગયા હતા અને કારચાલક સામે એ.ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે. આ ઉપરાંત વડોદરાના છોટા ઉદેપુર એસ.ટી.ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર વિક્રમભાઈ રમણભાઈ પટેલીયા તા. 27-2ના રોજ બપોરે જોડીયાથી છોટા ઉદેપુર જતી બસ લઈને જોડીયાથી નીકળ્યા હતા. જેમાં સાંજના સમયે સાયલા હાઈવે પર પસાર થતા હતા. ત્યારે એક ડમ્પરના ચાલકે ગફલતભરી રીતે ચલાવી બસની પાછળની ભાગે અકસ્માત કર્યો હતો. આ અકસ્માત કરી ડમ્પર ચાલક નીચે ઉતરી ડ્રાઈવર સાથે ઝઘડો કરી ડમ્પર લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં કોઈ મુસાફરને ઈજા પહોંચી ન હતી. પરંતુ એસ.ટી.બસને નુકસાન થયુ હતુ. બનાવની ડમ્પર ચાલક સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એફ.યુ.સીદાતર ચલાવી રહ્યા છે.










