- સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર એસ.ટી. બસ અને ટ્રક અથડાતાં બંને વાહનના ચાલકને ઈજાઓ
- ધ્રાંગધ્રામાં સ્કૂટર તેમજ બાઈકના અકસ્માતમાં માતા-પુત્રને ઈજા
- અકસ્માતના બનાવોમાં કુલ 6 વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના 4 બનાવ બન્યા છે. જેમાં ર બનાવ એસ.ટી.બસ સાથે બન્યા છે. સાળંગપુર-માંડવી રૂટની એસટી બસ લટુડા પાસે ટ્રક સાથે અથડાઈ હતી.
છોટાઉદેપુર-જામનગર રૂટની બસ ચોટીલા હાઈવે પર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. અકસ્માતના બનાવોમાં કુલ 6 વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર વઢવાણ તાલુકાના લટુડા ગામ પાસે ગુરૂવારે મોડી રાત્રે ટ્રક અને સાળંગપુર-માંડવી રૂટની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ડ્રાઈવર વઢવાણના કોઠારીયાના સાગરભાઈ હમીરભાઈ મકવાણા અનેબસના ડ્રાઈવર મૂળીના કુકડાના પરાક્રમસીંહ હેમંતસીંહ પરમારને ઈજાઓ થતા દવાખાને લઈ જવાયા હતા. બનાવની જાણ થતા જોરાવરનગર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જયારે દાહોદ ગ્રામ્યના રવીનભાઈ રામાભાઈ વગેલા છોટા ઉદેપુર ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવે છે. તેઓ ડ્રાઈવર વિક્રમ રમણભાઈ પટેલીયા સાથે છોટાઉદેપુર-જામનગર રૂટની બસ લઈને જામનગર તરફ જતા હતા. ત્યારે ચોટીલા હાઈવે પર આગળ જતા ટ્રક પાછળ એસટી બસ અથડાઈ હતી. જેમાં ડ્રાઈવર વિક્રમભાઈ અને કંડકટર રવીનભાઈને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની એસ.ટી.બસના કંડકટરે ડ્રાઈવર સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ ધ્રાંગધ્રાના પુનીતનગરમાં રહેતા 36 વર્ષીય નીલોફરબેન વાહીદભાઈ કુરેશી તા. 17મીએ સાંજે પોતાનુ એકટીવા સ્કુટર લઈને પુત્ર ઈઝાન સાથે કુંભારપરા જતા હતા. ત્યારે ફલકુ નદીના બેઠા પુલ ઉપર સામેથી આવતા બાઈક ચાલકે પુરઝડપે ચલાવી એકટીવા સાથે અકસ્માત કર્યો હતો. જેમાં નીલોફરબેન અને તેમના પુત્ર ઈઝાનને ઈજા થતા સારવાર માટે શ્રીજી હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની અજાણ્યા બાઈક ચાલક સામે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એ.એ.ચીહલા ચલાવી રહ્યા છે. આ ઉપરાંત વઢવાણ તાલુકાના કોઠારિયા ગામે રહેતા મહેન્દ્રભાઈ લકુમ ક્રેટા કાર લઈને વઢવાણ-અમદાવાદ હાઈવે પર આવેલ હુન્ડાઈ શો રૂમે સાઈડનો દરવાજો, બમ્પર અને ડેકી રિપેરીંગ કરાવવા આવ્યા હતા. જેમાં વીમા કંપનીએ સાઈડનો દરવાજો અને બમ્પરના રિપેરીંગની મંજુરી આવી હતી. પરંતુ ડેકીની આવી ન હતી. આથી વર્કશોપમાંથી મહેન્દ્રભાઈને જાણ કરતા તેઓએ ડેકી રીપેરીંગ ન થાય તો બીજી કાંઈ કરાવવુ નથી, તેમ કહી વર્કશોપ આવી તેઓએ આવેશમાં આવી જઈ સ્પીડથી કાર ચલાવતા ગેટના દરવાજા સાથે અથડાવી રૂપિયા 7 હજારનું નુકસાન કર્યુ હતુ. જયારે અન્ય એક કાર આઈ-10 સાથે અથડાવી રૂપિયા 50 હજારનું નુકશાન કર્યુ હતુ. બનાવની વર્કશોપના મેનેજર અશોકભાઈ શર્માએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ વનરાજસીંહ પરમાર ચલાવી રહ્યા છે.