સુરેન્દ્રનગરના વઢવાણ રોડ, બહુચર હોટલ રોડ, ધ્રાંગધ્રાના કાપેલીધાર વિસ્તાર અને ખમીસાણા પાસે અકસ્માતના 4 બનાવ બન્યા છે. જેમાં એપીએમસી સામે ઈંધણ પુરાવવા જતા આઈવા ટ્રકની અડફેટે સાયકલ સવાર 80 વર્ષીય વૃધ્ધનું મોત થયુ છે. બીજી તરફ ધ્રાંગધ્રાની કાપેલી ધાર પાસે શટલ રિક્ષાને કારે ઠોકર મારતા 3 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.
જોરાવરનગરમાં રહેતા હર્ષદભાઈ ઉર્ફે કાનો હરગોવિંદભાઈ પંડીત રીક્ષા ચલાવે છે. તેમના દાદા 80 વર્ષીય શંકરભાઈ છગનભાઈ પંડીત વઢવાણના કાઠીયાવાડ હાર્ડવેરમાં પગીપણુ કરે છે. તેઓ વઢવાણ એપીએમસી પાસે આવેલ કેબીને ચા પીને સાયકલ લઈને જતા હતા ત્યારે સામે આવેલ પેટ્રોલપંપમાં આઈવા ચાલક લખતરના ભાસ્કરપરાનો પ્રેમજીભાઈ આત્મારામભાઈ લોરીયા ઈંધણ પુરાવવા જતા શંકરભાઈને અડફેટે લીધા હતા. જેમાં તેઓને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે સી.યુ.શાહ હોસ્પિટલ લઈ જવાતા સારવાર દરમીયાન મોત થયુ હતુ. બનાવની બી ડીવીઝન પોલીસ મથકે આઈવા ચાલક સામે હર્ષદભાઈ પંડીતે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ ઝેડ.એલ. ઓડેદરા ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગરના જંકશન રોડ પર આવેલ વિવેકાનંદ સોસાયટી-રમાં રહેતા 75 વર્ષીય ભરતભાઈ નાનજીભાઈ પરમાર સાયકલ લઈને તેમના ઘરેથી ટાંકી ચોક તરફ જતા હતા. ત્યારે બહુચર રોડ પર ડો. ઈરફાન વોરાના દવાખાના પાસે એક ટ્રકે ઓવરટેક કરતા ભરતભાઈ સાથે અકસ્માત કર્યો હતો.










