સુરેન્દ્રનગર જિલ્લામાં થર્ટી ફર્સ્ટ પૂર્વે દારૂની રેલમછેલ રોકવા પોલીસ ઠેર ઠેર દરોડા કરી રહી છે. જેમાં એસએમસીની રેડ બાદ ચોટીલા પોલીસે બાતમીને આધારે દારૂ સાથે ચોટીલા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્યાના પુત્રને ઝડપી લીધો છે. જયારે આ દારૂ વર્તમાન સદસ્ય અને તેના ભાઈએ મંગાવ્યો હોવાનું ખુલતા રાજકારણ ગરમાયુ છે.
બીજી તરફ દસાડા પોલીસે પણ રાજસ્થાનથી કચ્છ દારૂ ભરીને જતી ટ્રક ઝડપી પાડી છે.સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ચોટીલા તાલુકાના નાવા ગામની સીમમાં દારૂના કટીંગની બાતમી મળતા તા. 22ના રોજ મોડી રાત્રે રેડ કરી હતી. ત્યારે આ રેડની માહિતી ચોટીલા પોલીસને મળી હતી. જેમાં એસએમસીની રેડમાં એક પીકઅપ દારૂ ભરેલી ફરાર થઈ ગઈ હોવાની તથા પાળીયાદનો સુરેશ જીવણભાઈ મકવાણા આ દારૂની વોચમાં છે અને મોકો મળ્યે લઈ લેવાની ફીરાકમાં છે તેવી માહીતી મળતા ચોટીલા પોલીસે રેડ કરી હતી. જેમાં પીકઅપ કારમાંથી વિદેશી દારૂની 1128 બોટલ કિંમત રૂ. 6,44,088નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આથી પોલીસે સુરેશ મકવાણાને દારૂ અને પીકઅપ તથા સ્કોર્પીયો કાર સહિત રૂ. 13,46,588ની મત્તા સાથે ઝડપી લીધો હતો. આ શખ્સની પુછપરછમાં આ દારૂ રાજુ શીવાભાઈ પરાલીયા અને ચતુર શીવાભાઈ પરાલીયાએ બહારના રાજયમાંથી મંગાવ્યો હોવાનું તથા નાવાના વિજય મંગાભાઈ ચૌહાણને ત્યાં મુકેશ હકાભાઈ કોળી, રાહુલ બાબરીયાની મદદથી ઉતાર્યો હોવાનું ખુલતા તમામ સામે ચોટીલા પોલીસ મથકે પ્રોહીબીશન મુજબનો ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ આઈ.બી. વલવી ચલાવી રહ્યા છે. બીજી તરફ દસાડા પીએસઆઈ એન.એ.ડાભી, પ્રો. પીએસઆઈ વી.જે.માલવીયા, બીટ જમાદાર હમીરભાઈ સોલંકી, નીલેશભાઈ રથવી સહિતની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે સ્ટાફના વિજયસીંહ નકુમને શંખેશ્વર તરફથી વિદેશી દારૂ ભરેલ ટ્રક આવતી હોવાની બાતમી મળી હતી. આથી સ્ટાફે દસાડા-જૈનાબાદ હાઈવે પર હોટલ આનંદ પાસે વોચ રાખી હતી. જેમાં બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા તેમાં પાપડના પેકેટના બોકસ હતા. જેમાં બોકસમાં ઉપરના પાપડ આઘાપાછા કરી જોતા નીચે દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે ટ્રકના ચાલક અશોક શંકરલાલ સોઢા અને કલીનર તીલોકચંદ પેમારામ બાંબુની દારૂની વીવીધ બ્રાન્ડની 2796 બોટલ કિંમત રૂપીયા 11,63,532, 2400 ચપલા કિંમત રૂપીયા 3,60,000, 432 બીયરના ટીન કિંમત રૂપીયા 54 હજાર, 118 પાપડના બોકસ કિંમત રૂપીયા 1,18,000, રૂપીયા 10 લાખની ટ્રક, રૂપીયા 10 હજારના ર મોબાઈલ સહિત કુલ રૂપીયા 27,05,532 સાથે ધરપકડ કરી હતી. ચાલકની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ રાજસ્થાનના સુભાષ બીશ્નોઈએ ભરી આપ્યો હતો. તથા કચ્છના ગાંધીધામના ભરત ખોડુભા ગઢવીને આપવાનો હોવાનું ખુલતા ચારેય સામે દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.










