ચોટીલા તાલુકાના સુરઈ ગામે વર્ષ 2023માં રૂ. 1.95 લાખના કોપર વાયરની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવના ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ચોટીલા ડુંગર તળેટીમાંથી ઝડપી લઈ સ્થાનીક પોલીસના હવાલે કર્યો છે.
ચોટીલાના સુરઈ ગામે હાઈટેક સોલાર પ્લાન્ટ આવેલો છે. ગત તા. 22-5-23ના રોજ પ્લાન્ટના સીકયુરીટી ગાર્ડ ખોડાભાઈ વાળાએ સુપરવાઈઝર સણોસરાના જયસુખ જહાભાઈ ડાભીને ફોન કરી પ્લાન્ટમાંથી રાતના સમયે કોઈ વાયર ચોરી કરી લઈ ગયાની જાણ કરી હતી. આથી જયસુખભાઈએ જઈને તપાસ કરતા પ્લાન્ટમાં સોલારમાંથી ડીસીનો 10 હજાર મીટર કોપર વાયર કિંમત રૂપીયા 1.95 લાખનો કોઈ શખ્સો ચોરી કરી લઈ ગયાનું સામે આવ્યુ હતુ. આથી તા. 21 જુનના રોજ તેઓએ ચોટીલા પોલીસ મથકે રૂપીયા 1.95 લાખનો વાયર કોઈ શખ્સો ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાઈ ત્યારથી આરોપી પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આ દરમીયાન પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી ચોટીલામાં પેટ્રોલીંગ કરી રહેલ સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડના વિજયસીંહ, અજયવીરસીંહ, શકિતસીંહ સહિતનાઓને આ ચોરીના બનાવનો આરોપી ચોટીલા ડુંગર તળેટીમાં હોવાની માહીતી મળી હતી. આથી પોલીસે વોચ રાખી સાયલા તાલુકાના સીતાગઢ ગામના કરશન ઉર્ફે કસો ઉર્ફે સગુણા રામજીભાઈ થરેસાને ઝડપી લીધો હતો. આ શખ્સને સ્થાનીક પોલીસના હવાલ કરાયો છે. ઝડપાયેલ આરોપી સામે સાયલા, લખતર, ધ્રાંગધ્રા, ધજાળા, કોટડા સાંગાણી પોલીસ મથકે ચોરીની ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યુ છે.










