• સવારના સમયે પસાર થતી કોઈ ટ્રેન સાથે અથડાયો હોવાની આશંકા

  • દીપડાના માથે ઈજાના નિશાન અને ટ્રેક પર લોહીના ડાઘ મળી આવ્યા
  • રેલવે વિભાગની ટીમ અને ફોરેસ્ટની ટીમોએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી

ધ્રાંગધ્રાના વસાડવા ગામ પાસે આવેલા રેલવે ટ્રેક પાસે સોમવારે સવારે એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. આથી રેલવે વિભાગની ટીમ અને ફોરેસ્ટની ટીમોએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમીક દૃષ્ટીએ સવારના સમયે પસાર થતી કોઈ ટ્રેન સાથે દીપડો અથડાતા મોતને ભેટયો હોવાનું સામે આવી રહ્યુ છે. તેમ છતાં દીપડાને પીએમ માટે લઈ જવાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં હિંસક પશુ દીપડો અવારનવાર નજરે પડે છે. ચોટીલા અને થાનમાં છાશવારે દીપડો લોકોને સીમ વિસ્તારમાં દેખાય છે. થોડા દિવસ પહેલા જ થાનના અભેપર ગામની સીમમાં દીપડાએ શ્વાન સહિત 4 પશુનું મારણ કર્યુ હતુ. ત્યારે ધ્રાંગધ્રાના વસાડવા પાસે દીપડો મૃત હાલતમાં મળી આવ્યો છે. મળતી માહીતી મુજબ ધ્રાંગધ્રા રેલવે વિભાગના કીમેન સુરેશભાઈ સવારના સમયે ટ્રેક પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓને મૃત દીપડો નજરે પડયો હતો. આથી રેલવે વિભાગને જાણ કરતા અશોકકુમાર, નીશાંત નાગર તથા વન વિભાગના અધીકારી ડો. ધવલ ગઢવીની સુચનાથી ફોરેસ્ટનો સ્ટાફ દોડી ગયો હતો. અને તપાસ કરતા દીપડાની ઉંમર લગભગ 4 વર્ષ હોવાની જણાતી હતી. જયારે દીપડાના માથા પર ઈજા હતી તથા ટ્રેક પર લોહીના ડાઘ મળીઆવ્યા હતા. આથી સવારે પસાર થતી કોઈ ટ્રેન સાથે દીપડો અથડાયો હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ દીપડાને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરાઈ છે.


  • Follow us on: