સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમને માલવણ ટોલનાકા પાસે ટ્રકમાં પોસદોડાના જથ્થાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મકાઈની આડમાં મોટી માત્રામાં પોસદોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પોષ ડોડવા, મકાઈ, ટ્રક અને મોબાઈલ સહિત રૂ. 32,74,400ની માલમત્તા કબજે કરી ફરિયાદ નોંધી છે.


સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી.એચ.શીંગરખીયા સહિતની ટીમને પેટ્રોલિંગ દરમિયાન માલવણ ટોલનાકા પાસે આવેલ રામદેવ ટી સ્ટોલ પાસે ઉભેલ એક ટ્રકમાં પોષ ડોડવાનો જથ્થો હોવાની બાતમી મળી હતી. આથી તા. 8મીના રોજ સવારના સમયે રેડ કરાઈ હતી. જેમાં ટ્રકની તપાસ કરતા ચાલક હાજર મળી આવ્યો ન હતો. જયારે ટ્રકમાં મકાઈની આડમાં પોષ ડોડવાનો જથ્થો હતો. પોલીસે 389 કિલો 800 ગ્રામ પોસદોડાનો જથ્થો કિંમત રૂ. 11,69,400, 400 નંગ મકાઈની બોરી કિંમત રૂ. 6 લાખ, રૂ. 5 હજારનો મોબાઈલ અને રૂ. 15 લાખની ટ્રક સહિત રૂ. 32,74,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસની તપાસમાં ટ્રકની કેબીનમાંથી ફાઈલ મળી આવી હતી. જેમાં વાહનના ઓનર રાજસ્થાનના ચનારામ ચેલારામ હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને એસઓજી પીએસઆઈ એન.એચ. ચુડાસમાએ બજાણા પોલીસ મથકે એનડીપીએસ એકટની કલમો સાથે ફરિયાદ નોંધાવી હતી.


  • Follow us on: