સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં બુધવારે અખાત્રીજના પાવન પર્વની ઉજવણી કરાઈ હતી. જેમાં ધરતીપુત્રોએ ખેતરની જમીન, બળદ, ટ્રેકટર, હળ સહિતના ખેત સાધનોની પુજા કરી ખેડાણની શરૂઆત કરી હતી. બીજી તરફ સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ જિલ્લાના જૈન સંઘોમાં વર્ષીતપના તપસ્વીઓએ પારણા કર્યા હતા.


ઝાલાવાડમાં બુધવારે અખાત્રીજની ઉજવણી કરાઈ હતી. હિન્દુ શાસ્ત્રોમાં અખાત્રીજનું અનેરૂ મહત્વ દર્શાવાયુ છે. અખાત્રીજ એ વણજોયુ મુહૂર્ત માનવામાં આવી છે. આ દિવસે કોઈપણ ચોઘડીયા જોયા વગર શુભકાર્ય કરી શકાય છે. જયોતીષકાર પુરાણી મહેન્દ્ર મહારાજે જણાવ્યુ કે, આ વર્ષે અખાત્રીજનો પ્રારંભ તા. 29મી એપ્રિલને સાંજે 5-33 મીનીટથી થયો છે. જયારે તા. 30મીને બપોરે 2 કલાક અને 1 મીનીટ સુધી અખાત્રીજ છે. તા. 30મીના રોજ સુર્ય અને ચંદ્ર બન્ને ઉચ્ચના ગ્રહો બની ઉચ્ચ રાશીમાં ભ્રમણ કરનાર છે.

આ દિવસે લક્ષ્મીનારાયણ નરનારીનો યોગ પણ સર્જાય છે. આથી આ દિવસે માંગલીક કાર્યો કરવા ઉત્તમ છે. બીજી તરફ જૈન ધર્મના વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનથી શરૂ થયેલ વર્ષીતપની તપૃર્યા કરનાર તપસ્વીઓએ પારણા કર્યા હતા. સુરેન્દ્રનગરના જવાહર ચોકમાં સીધ્ધી રસ સેન્ટર ચલાવતા કાર્તીકભાઈ ભાવસાર દર વર્ષે અખાત્રીજ પર્વે શેરડીના રસની સેવાનો લાભ લે છે. ત્યારે બુધવારે 30 કરતા વધુ તપસ્વીઓના પરિવારજનો દ્વારા તેમને ત્યાંથી શેરડીનો રસ લઈ લાભ આપ્યો હતો. આ ઉપરાંત અનેક જિનાલયોમાં પણ તેઓએ રસ મોકલ્યો હતો. આ ઉપરાંત અખાત્રીજ એ કણમાંથી મણ પેદા કરનાર ધરતીપુત્રોનો દિવસ પણ માનવામાં આવે છે. બુધવારે જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ખેડૂતોએ ખેત ઓજારો, ટ્રેકટરની પુજા કરી, શ્રીફળ વધેરી ખેડાણની શરૂઆત કરી હતી. અને સારા વરસની આશા વ્યકત કરી હતી. હાલ ટ્રેકટરના જમાનામાં બળદ દ્વારા થતી ખેતી લુપ્ત થઈ રહી છે. ત્યારે લખતર પંથકમાં હાલ પણ બળદ દ્વારા ખેતી થાય છે. અને ખેડૂતોએ બળદની જોડની પુજા કરી હતી. જયારે દસાડા તાલુકાના વડગામમાં આવેલ હાઈસ્કુલમાં વોકેશનલ એજયુકેશન અંતર્ગત એગ્રીકલ્ચર ટ્રેડમાં ફાર્મ ખાતે વડગામ કેળવણી મંડળના ટ્રસ્ટી મોહનભાઈ ચાવડા, આચાર્ય ભરતસીંહ ચાવડા સહિતનાઓએ ટ્રેકટરની પુજા કરી ખેડાણ કર્યુ હતુ.


  • Follow us on: