સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ચોટીલા હાઈવે પર આવેલ બળદેવ હોટલના મેદાનમાં ઉભેલ ટ્રકમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ટ્રક ચાલક દારૂની 3536 બોટલો, ટ્રક અને એસીડ સહિત રૂપીયા 33,01,561ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો.
થોડા દિવસ પહેલા જ લીંબડી હાઈવે પર કાપડની ગાંસડીઓની આડમાં દારૂની હેરાફેરી પકડાઈ હતી. ત્યારે ચોટીલા હાઈવે પર એસીડની આડમાં દારૂની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ અંગે મળતી માહીતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ચોટીલા હાઈવે પર આવેલ બળદેવ હોટલના મેદાનમાં ઉભેલ એક ટ્રકમાં દારૂ હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે 29 તારીખે રાત્રે 2-30 કલાકે રેડ કરી હતી. જેમાં ટ્રકમાં તપાસ કરતા એસીડના કેરબાની આડમાં વિદેશી દારૂની પેટીઓ જણાઈ આવી હતી. પોલીસે દારૂની 3536 બોટલ કિંમત રૂપીયા 22,36,561, રૂપીયા 10 લાખનો ટ્રક, રૂપીયા 60 હજારનું પ હજાર લીટર એસીડ, રૂપીયા 5 હજારનો મોબાઈલ સહિત રૂપીયા 33,01,561ની મત્તા સાથે ટ્રક ચાલક રાજસ્થાનના અર્જુનદાસ આદુદાસ સાદને ઝડપી લીધો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ રાજસ્થાનથી ચેનસીંગ શિવસીંગ રાજપુતે મોકલ્યો હોવાનું તથા ગણેશ બીશ્નોઈએ ભરી આપ્યો હોવાનું જણાવ્યુ હતુ. તથા આ દારૂ જેતપુર લઈ જવાનો હતો. જયાં પહોંચીને તે કહે તેને આપવાનો હતો. ફ્રેશ થવા માટે તે બળદેવ હોટલ રોકાયો હતો અને પોલીસના હાથે ઝડપાયો હતો. બનાવની ચારેય સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ એમ.કે.પરમાર ચલાવી રહ્યા છે.










