- હોસ્પિટલ સિવાયના 4 બાંધકામ માટે ઇમ્પેક્ટ કાયદા હેઠળ અરજી પણ કરાઇ
- સંસ્કારધામે ઇમ્પેકટમાં અરજી આપી પરંતુ હજી સુધી JTPOએ નોટિસ પાઠવી નથી
- મલ્ટી હોસ્પીટલનું બાંધકામ ખડકી દેતા પાલીકાએ તાત્કાલીક નોટીસ આપી કામ બંધ કરાવી દીધુ
ધ્રાંગધ્રાના સ્વામીનારાયણ સંસ્કારધામ ગુરૂકુળ દ્વારા ગ્રીનઝોનમાં પાલીકાની બાંધકામની મંજૂરી કે પ્લાન પાસ કર્યા વગર મલ્ટી હોસ્પીટલનું બાંધકામ ખડકી દેતા પાલીકાએ તાત્કાલીક નોટીસ આપી કામ બંધ કરાવી દીધુ છે.
ત્યારબાદ ગુરૂકુળમાં ગ્રીનઝોનમાં બીજા બિલ્ડીંગ ખડકી દીધાની રજૂઆત બાદ તંત્ર દ્વારા તપાસ કરાવાઇ હતી.પરંતુ માત્ર છાત્રાલયના બાંધકામની જ નોટીસ પાઠવી છે. આ બાબતે પાલિકાના જેટીપીઓ નિલેશ જાદવે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ બીજા બિલ્ડીંગની નોટીસ આપી સંસ્કારધામનો લુલો બચાવ કર્યો હોય એવુ લાગી રહયુ છે. કારણ કે સંસ્કારધામ દ્વારા 4 બાંધકામ કાયદેસરના કરાવવા માટે પાલિકામાં ઇમ્પેકટ કાયદા હેઠળ ઓનલાઇન અરજીઓ પણ કરી દેવાઇ છે. આમ જેટીપીઓની ટીમે છાત્રાલયને નોટીસ આપી. પરંતુ સંસ્કારધામ ગુરૂકુળમાં ગ્રીન ઝોનમાં બીજા ગેરકાયદે બાંધકામની મંજૂરી કે પ્લાન પાસ વગર કરાયેલા બાંધકામ સામે નોટીસ કે કોઇ કાર્યવાહી ન કરાતા જેટીપીઓની કામગીરી સામે આશંકા સેવાઇ રહી છે. આમ રાજકોટના એટીપીઓને પણ સસ્પેન્ડ કરાયા છે ત્યારે હવે સંસ્કારધામના ગેરકાયદેસર બાંધકામના પુરાવા સાથે રજૂઆત કરવા છતાંય જેટીપીઓ નિલેશ જાદવ ગ્રીન ઝોનમાં ખડકાયેલા ઘનશ્યામ ભુવન, પ્રાર્થના હોલ સહિતના ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી ટલ્લે ચડાવી છાવરતા હોવાથી સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરાય એવી માંગ ઉઠી છે.










