પાટડી નગરપાલીકાના પમ્પીંગ સ્ટેશનમાં ભુર્ગભ ગટરની સફાઈ કરવા અંદર ઉતરેલા ર સફાઈ કામદાર યુવાનોના ગેસ ગુંગળામણને લીધે મોત થવાનો બનાવ તા. 21-1-25ના રોજ બન્યો હતો.


આ બનાવમાં પાટડી પાલીકાના ચીફ ઓફીસર, સેનેટરી ઈન્સપેકટર અને કોન્ટ્રાકટર સામે પોલીસ ફરિયાદ થઈ છે. ત્યારે પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા ચીફ ઓફીસર અને સેનેટરી ઈન્સપેકટરે ધ્રાંગધ્રા એડીશનલ સેશન્સ કોર્ટમાં કરેલ આગોતરા જામીન અરજી નામંજુર કરાઈ છે.

પાટડીમાં વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હુત માટે તા. 22ના રોજ રાજયના સીએમ પાટડી આવનાર હતા. જેના એક દિવસ અગાઉ તા. 21-1ના રોજ પાટડી નગરપાલીકાના અધીકારીઓ અને કોન્ટ્રાકટર દ્વારા પમ્પીંગ સ્ટેશને ભુગર્ભ ગટરની સફાઈ કરવામાં આવતી હતી. જેમાં પાટડીના વાલ્મીકીવાસમાં રહેતા 27 વર્ષીય જયેશભાઈ ભરતભાઈ પાટડીયા અને 17 વર્ષીય ચીરાગ કનુભાઈ પાટડીયા ભુગર્ભ ગટરની સફાઈ કરવા ઉતર્યા હતા. જેમાં ગટરમાં ગેસ ગુંગળામણને લીધે બન્ને યુવાનોને અસર થતા તાત્કાલીક ભુગર્ભ ગટરમાંથી બહાર કાઢવામાં આવતા બન્નેના મોત થયા હતા.

આ બનાવમાં ચેતન પાટડીયા નામના યુવાનને ઈજા પણ થઈ હતી. જેમાં મૃતકના પરીવારના બળદેવભાઈ જયંતીભાઈ પાટડીયાએ પાટડી પોલીસ મથકે એટ્રોસીટી એકટ અને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી બેદરકારી દાખવવા બદલ પાટડી પાલીકાના ચીફ ઓફીસર મૌસમ પટેલ, સેનેટરી ઈન્સપેકટર હર્ષદભાઈ દાનુભાઈ કટારીયા અને કોન્ટ્રાકટર સંજય પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે કોન્ટ્રાકટરની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી હતી.

જયારે ચીફ ઓફીસર અને સેનેટરી ઈન્સપેકટર પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા હતા. આ બન્ને આરોપીઓએ તા. 3-રના રોજ ધ્રાંગધ્રા ચોથી એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની તા. 12ના રોજ સુનવણી થતા સરકારી વકીલ વી.એચ.ભટ્ટની દલીલોને ધ્યાને લઈ જજ એન.એચ.વસવેલીયાએ બન્ને આરોપીઓને આગોતરા જામીન પર મુકત થવાની અરજી નામંજુર કરી છે.


  • Follow us on: