કેન્દ્ર સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં કેન્દ્રીય કીચન પધ્ધતિ અમલી કરી રહી છે. ત્યારે આ યોજનાથી ઝાલાવાડના ત્રણ હજારથી વધુ મધ્યાહન ભોજન સાથે જોડાયેલા કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ જવાનો ભય ઉભો થયો છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમીક શાળાઓમાં અભ્યાસ કરતા ધો. 1થી 8ના વિદ્યાર્થીઓને ગરમાગરમ નાસ્તો, ભોજન મળી રહે તે માટે મધ્યાહન ભોજન યોજના અમલી છે. આ યોજના સરકારે વર્ષ 1984માં સમગ્ર રાજયમાં અમલી બનાવી હતી. જેમાં સંચાલક, રસોઈયા અને હેલ્પર એમ ત્રણ પોસ્ટ પર કર્મચારીઓ આવેલા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 3 હજારથી વધુ કર્મચારીઓ આ યોજનામાં ફરજ બજાવે છે. જેમાં મોટાભાગની મહિલાઓ, ત્યકતા, વિધવાઓ અને બેરોજગાર યુવાનો છે. ત્યારે હાલમાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય કીચન પધ્ધતિ લાવી રહી છે. જેમાં એક એનજીઓને આ બાબતનો કોન્ટ્રાકટ આપી દેવાશે. અને એક જ સ્થળે બનેલુ જમવાનું વિવિધ શાળાઓમાં પહોંચાડવામાં આવશે. આ બાબતે મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. આ અંગે ગુરૂવારે સાંજે સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા કલેકટર કચેરીમાં લેખીત રજૂઆત કરાઈ છે. જેમાં સંસ્થાના પ્રમુખ લક્ષ્મણભાઈ ઉત્તેરીયા સહિતનાઓના જણાવાયા મુજબ સરકારે બાળકોને ગરમા ગરમ નાસ્તો મળે તે માટે યોજના અમલમાં મુકી છે. જયારે કેન્દ્રીય કીચન પધ્ધતીથી આ હેતુ સર થશે નહી. જયારે આ યોજનાથી 3 હજારથી વધુ લોકો બેરોજગાર બની જશે અને તેમના ઘરે આર્થીક સમસ્યાઓ જન્મ લેશે. જો કેન્દ્રીય કીચન પધ્ધતીનો વિચાર પડતો મુકવામાં નહી આવે તો આંદોલનની ચીમકી અપાઈ છે અને જરૂર પડે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવાની પણ તૈયારી દર્શાવાઈ છે.










