સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાની સંકલન બેઠકનું આયોજન શનિવારે મહાનગરપાલીકાના સભાખંડમાં કરાયુ હતુ. જેમાં દસાડાના ધારાસભ્યે નર્મદા વિભાગ અને પાણી પુરવઠા વિભાગના પ્રશ્નો રજૂ કર્યા હતા. ત્યારે સંકલન બેઠકમાં મુકાયેલા પ્રશ્નોને લઈને અધિકારીઓ રજા પર ઉતરી ગયાનો ઘાટ સર્જાયો હતો. જુનિયર અધિકારીઓ બેઠકમાં આવતા અધિક કલેકટરે આગામી દિવસોમાં બન્ને વિભાગ સાથે જિલ્લા કલેકટર અલગથી બેઠક કરશે, તેવુ જાહેર કર્યુ હતુ.
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર મહિને એક વાર જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન થાય છે. ત્યારે મે માસની સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં રીપેરીંગ કામ ચાલતુ હોવાથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સભાખંડમાં મળી હતી. જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ તાલીમમાં હોવાથી જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞીકની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં અધીક કલેકટર આર.કે.ઓઝા, જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયા, ધારાસભ્ય પી.કે.પરમાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં જ ધારાસભ્યે દસાડા, લખતર અને લીંબડીના નળકાંઠાના ગામોમાં પીવાના પાણીની સમસ્યા વિશે પ્રશ્ન મુકયો હતો. અમુક ગામોમાં પાણીની સમસ્યા વિશે નિયમિત રીતે સરપંચો તેઓને ફોન કરતા હોવાનું જણાવી પુરૂતુ પાણી ગામના સમ્પ સુધી પહોંચાડવા, પાણી ચોરી અટકાવવા જણાવ્યુ હતુ. જયારે ધ્રાંગધ્રા શાખા કેનાલ, વલ્લભીપુર બ્રાંચ કેનાલ, માળીયા કેનાલ, લીંબડી કેનાલને લગતા પ્રશ્નોનો મારો ચલાવાયો હતો. આ પ્રશ્નો સંકલનમાં મુકાવાના હોવાથી નર્મદા અને પાણી પુરવઠાના અધિકારીઓ રજા પર ઉતરી જતા જુનીયર અધીકારીઓને મોકલતા હોવાનું સામે આવ્યુ હતુ. આથી અધીક કલેકટરે આગામી દિવસોમાં કલેકટરના અધ્યક્ષસ્થાને બન્ને વિભાગોની બેઠક બોલાવવા જણાવ્યુ હતુ. સંકલન બેઠક પહેલા પુરવઠા વિભાગની બેઠક પણ યોજાઈ હતી. જેમાં સસ્તા અનાજની દુકાનો, ફાળવવામાં આવતા જથ્થા વિશે પુરવઠા અધિકારી એ.જી.ગજ્જરે માહિતી આપી હતી.
આકસ્મિક સ્થિતિને ભરી પીવા ગામેગામ સ્વંયસેવકોની યાદી બનાવવા ધમધમાટ
પડોશી દેશ પાકિસ્તાન સામે તાજેતરમાં જ યુધ્ધની સ્થિતિ ઉદ્દભવી હતી. પરંતુ સીઝ ફાયરની ઘોષણા બાદ હાલ પરિસ્થિતિ શાંત છે. ત્યારે ફરીવાર આવી સ્થિતિ કે કોઈપણ કુદરતી કે કૃત્રીમ આફત સમયે મદદે આવી શકે તે માટે ગામ દીઠ ઓછામાં ઓછા પાંચ સ્વયંસેવકોની યાદી બનાવવા અધીક કલેકટર આર.કે.ઓઝાએ જણાવ્યુ હતુ. આ માટે તાલુકા કક્ષાએથી માં ભારત પોર્ટલમાં સ્વયં સેવકનું નામ, ગામ, મોબાઈલ નંબર, સરનામુ સહિતની વિગતો સાથે આકસ્મીક સંજોગોમાં તે કેવા પ્રકારની સેવા આપી શકે તે સહિતની માહિતી આપવા જણાવાયુ છે.
વલ્લભીપુર બ્રાંચ કેનાલમાં અધુરા કામ મુકનાર એજન્સીને નોટિસ આપો
દસાડાના ધારાસભ્યે વલ્લભીપુર બ્રાંચ કેનાલમાં ચાલતા રિપેરીંગની પ્રગતી અંગે પુછતા નરી વાસ્તવીકતા બહાર આવી હતી. આ કેનાલમાં રિપેરીંગ કામ 54 ટકા કરાયા પછી એજન્સીએ વીથ ડ્રો કરી લીધુ છે. બીજી તરફ અધીકારીઓએ સરકારમાં સમયમર્યાદા વધારવા માંગ કરી છે. ત્યારે ચાલુ કામ હોય તો સમય મર્યાદા વધારી શકાય, પડતા મુકાયેલા કામોમાં સમય મર્યાદા વધારવા કરાયેલી માંગ ગેર વ્યાજબી હોવાનું જણાવાયુ હતુ. આ ઉપરાંત આવી રીતે અધુરા કામ મુકનાર એજન્સીને નોટીસ આપવા પણ ધારાસભ્યે જણાવ્યુ હતુ.
તા. 1લી જૂનથી તાલુકાકક્ષાએ કંટ્રોલરૂમ ધમધમતા કરવા આદેશ
જિલ્લા સંકલન બેઠક બાદ પ્રિ-મોન્સુન કામગીરીની બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં ડીઝાસ્ટર મામલતદાર મયુરભાઈ દવેએ આ વખતે જુનના પ્રથમ વીકમાં ચોમાસુ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી હોવાથી તાલુકા કક્ષાએ તા.1 જુનથી કંટ્રોલ રૂમ શરૂ કરી દેવા તમામ મામલતદારોને અનુરોધ કર્યો હતો. જયારે આ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવવા માટે કર્મચારીઓને ઓર્ડર કરી દેવા પણ કહ્યુ હતુ.
તલના વાવેતરને છેલ્લું પાણી ન આપ્યુ અને રિપેરિંગ પણ ન કર્યુ
ધારાસભ્ય પી.કે.પરમારે જણાવ્યુ કે, આ વર્ષે ઉનાળુ વાવેતરમાં તલનું સારૂ વાવેતર થયુ છે. ત્યારે તલના વાવેતરને છેલ્લુ પાણ મળી રહે તે માટે 2 દિવસ પાણી છોડવા ધ્રાંગધ્રા શાખાના અધીકારીને કહ્યુ હતુ. જેમાં તેઓએ રિપેરીંગનું બહાનુ ધરીને પાણી આપવાની ના પાડી હતી. ત્યારે આ કેનાલનું રિપેરીંગ પણ ન કરાયુ અને પાણી ન મળતા ખેડૂતોના તલના પાકને વિપરીત અસર થઈ છે.
પાણી ચોરીના બનાવોમાં BNSમુજબ ફરિયાદ થાય, કોન્ટ્રાકટની શરતો મુજબ નહીં : SP । સુરેન્દ્રનગર જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયાએ જણાવ્યુ કે, જિલ્લા ગ્રામ્યમાં પાણી ચોરીના બનાવોમાં એજન્સીના માણસોને ફરિયાદી બનાવવામાં આવે છે. આ અંગે અગાઉ પણ નર્મદા અને પાણી પુરવઠાના અધિકારીઓનું ધ્યાન દોરાયુ હતુ. જયારે સચીવ શાહમીના હુસૈનને પણ આ બાબતે જણાવાયુ છે. પાણીચોરીના બનાવોમાં બન્ને વિભાગ દ્વારા અપાયેલી એજન્સીઓના કોન્ટ્રાકટમાં એજન્સીની જવાબદારી નક્કી કરાયાની શરતો હોય છે. પરંતુ સરકારી સંપત્તીને નુકશાન થવાના આવા કેસોમાં ભારતીય ન્યાય સંહીતાની કલમો મુજબ ફરિયાદી અધીકારીઓને બનવુ પડશે, એજન્સીના માણસો ફરિયાદી બને તે ન ચાલે. એજન્સીના માણસો ફરીયાદી બને પછી કોર્ટમાં આવા કેસો નબળા પડી જાય છે.