રતનપર બાયપાસ રોડ પર વહેલી સવારના સમયે પસાર થતા વાહનચાલકોને રોકી, માર મારી લૂંટી લેવાનો બનાવ વઢવાણ પોલીસ મથકે નોંધાયો હતો. ત્યારે પોલીસે આ બનાવમાં પાંચ આરોપીઓને ઝડપી લીધા છે.


રતનપરના ઉમેશભાઈ વજુભાઈ ઉલવા ઉપાસના સર્કલ પાસે ચાની લારી ચલાવે છે. ગત તા. 1-5ના રોજ વહેલી સવારે 4-30 કલાકે તેઓ બાઈક લઈને ચાની લારીને જતા હતા. ત્યારે બાયપાસ રોડ પર દેવ પાર્ટી પ્લોટ પાસે વાહનો લઈને હાથમાં લોખંડનો પાઈપ, પટ્ટો, પથ્થર અને છરી લઈને પાંચેક માણસો ઉભા હતા. આ લોકોએ ઉમેશભાઈને ઉભા રાખી તારી પાસે જેટલા રૂપિયા હોય તેટલા આપી દે તેમ કહેતા ઉમેશભાઈએ મારી પાસે કંઈ નથી તેમ કહેતા એક શખ્સે ખીસ્સામાં હાથ નાંખી બળજબરીથી રૂપિયા 5 હજાર લઈ લીધા હતા. અને બીજા વાહનો ઉભા રખાવતા હતા. આ સમયે યુટીલીટી લઈને નીકળેલા ઉમેશભાઈના પરીચીત ગોપાલભાઈ ભરવાડને પણ તેઓએ ઉભા રાખી યુટીલીટી પર પથ્થર મારો કર્યો હતો. જયારે એક ટ્રક ચાલકને તથા અન્ય બાઈક ચાલકોને ઉભા રાખી પથ્થરમારો કરી પૈસા કઢાવતા હતા. આ અંગે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે વઢવાણ પીઆઈ એ.આર.પટેલ સહિતની ટીમે તપાસના ચક્રો ગતીમાન કરીને માર મારી લૂંટ ચલાવનાર પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે મુળીના લીમલી ગામના કૌશીક વિઠ્ઠલભાઈ સોલંકી, યશ હિંમતભાઈ સોલંકી, જોરાવરનગર લાતી બજારમાં રહેતો આનંદ રમેશભાઈ મકવાણા, વઢવાણ ગણપતી ફાટસર પાસે રહેતો વરૂણ ઉર્ફે અંશુ વિજયભાઈ ચૌહાણ અને રતનપર ગુરૂ દત્તાત્રેય મંદિર પાસે રહેતા જીગ્નેશ ઉર્ફે જેકી હસમુખભાઈ પારધીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.


  • Follow us on: