સુરેન્દ્રનગરમાં રહેતા નિવૃત પોલીસ કર્મી દોઢેક વર્ષ પહેલા એક નિવૃત કલાસ-ર ઓફિસરના સંપર્કમાં આવ્યા હતા. તેમની બે દિકરીઓ અને એક અમદાવાદનો યુવાન ઓએનજીસીમાં ઓળખાણ હોવાનું કહી નોકરી માટે જણાવતા ભુપતસીંહે પૈસા આપ્યા હતા. પરંતુ પૈસા આપ્યા બાદ પણ નોકરી ન મળતા અંતે તેઓએ યુવાન અને 2 બહેનો સામે એ ડીવીઝન પોલીસ મથકે રૂપીયા 48.30 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર આવેલ દેવનગરમાં 64 વર્ષીય ભુપતસીંહ ટપુભા ઝાલા રહે છે. તેઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવૃત જીવન ગાળે છે. દોઢેક વર્ષ પહેલા તેઓના મિત્ર અને નિવૃત કલાસ-ર ઓફીસર મુળ લીંબડી તાલુકાના રળોલના જનકકુમાર બી.રાવલ સાથે તેઓ પરીચયમાં આવ્યા હતા. તેઓને 2 દિકરીઓ પાયલબેન અને અનુરાધાબેન છે. ગત માર્ચ માસમાં પાયલબેને ફોન કરી ભુપતસીંહને જણાવ્યુ કે, બ્રહ્મ સમાજના અને દુરના સગા નીલેશભાઈ પંચોલીની ઓએનજીસીમાં ઓળખાણ છે. કોઈ સબંધીને નોકરીએ લગાવવા હોય તો રૂપીયા 15 લાખ વહીવટી ઉમેદવાર દીઠ આપવો પડશે. જેમાં નોકરીએ લાગ્યા બાદ કલાર્ક તરીકે રૂપીયા 50 હજાર અને સુપરવાઈઝર તરીકે 70 હજારના પગારની વાત કરી હતી. આથી ભુપતસીંહે પોતાના પુત્ર દીગપાલસીંહ ભુપતસીંહ ઝાલા, જયેન્દ્રસીંહ સુરજસીંહ ઝાલા, બીરેન્દ્રસીંહ કીર્તીસીંહ જાડેજા, યશરાજસીંહ પ્રદીપસીંહ જાડેજા, પૃથ્વીરાજસીંહ નટુભા જાડેજા, રાજેન્દ્રસીંહ નટુભા જાડેજા, હરદીપસીંહ ભુપતસીંહ ઝાલા, સીધ્ધરાજસીંહ દિલીપસીંહ ઝાલાના પૈસા આપ્યા હતા. બાદમાં તેઓના નકલી સહી સીક્કાવાળા ઓર્ડર મળ્યા હતા. અને તેમાં દહેરાદુન ટ્રેનીંગ માટે જવાનું કહેવાયુ હતુ. પરંતુ આ રદ્દ થઈ હોવાનું કહી પૈસા પાછા આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ આજ દિન સુધી આ રકમ પરત ન અપાતા ભુપતસીંહ ઝાલાએ એ ડીવીઝન પોલીસ મથકે અમદાવાદના શાહીબાગમાં રહેતા નીલેશ કીરીટકુમાર પંચોલી, રાણીપમાં રહેતા પાયલબેન મેહુલકુમાર અને અનુરાધાબેન રાવલ સામે રૂપીયા 48.30 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.










