સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતા દબાણ હટાવો અને રસ્તા ખુલ્લા કરવાની કાર્યવાહી તેજ બની છે. જેમાં શહેરના મુખ્ય રસ્તાઓ પર લારી લઈને ઉભા રહેતા અને પાથરણા પાથરી બેસતા શાકભાજી વેચતા વિક્રેતાઓને દુર કરાયા છે.
ત્યારે રોજનું કમાઈને રોજ ખાતા શાકભાજી વેચનારાઓએ ધંધા રોજગાર માટે યોગ્ય માટે જગ્યા આપવા માટે ગુરુવારે મૌન રેલી યોજી કલેકટર કચેરી અને મનપા કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં રજૂઆતકર્તાઓએ રોષ સાથે જણાવ્યુ કે, સરકાર ગરીબી હટાવવાની વાત કરે છે, જયારે મનપાના અધિકારીઓ તો ગરીબોને જ હટાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર શહેરના હેન્ડલુમ ચોકથી ટાંકી ચોક અને ટાંકી ચોકથી પતરાવાળી ચોક વચ્ચે ઉભા રહેતા અને શહેરના 80 ફુટ રોડ પર અયોધ્યાનગર પાસે રસ્તા પર શાકભાજી વેચતા વેપારીઓને પણ છેલ્લા પાંચ-છ દિવસથી હટાવાયા છે. આથી આ લોકોનો જીવન નીર્વાહ મુશ્કેલ બની ગયો છે. જેમાં અગાઉ ગત સોમવારે અયોધ્યાનગર શાક માર્કેટ વિસ્તારમાં ધંધો કરતા શાકભાજીના વેપારીઓ કલેકટર કચેરી અને મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરી હતી. જયારે તા. 23મીને ગુરૂવારે સુરેન્દ્રનગરની મોટી શાક માર્કેટ બહાર, ટાંકી ચોક, જવાહર ચોક, પતરાવાળી ચોક વગેરે વિસ્તારોમાં ઉભા રહેતા લારી ધારકો અને બેસીને ધંધો કરતા પાથરણાવાળાઓએ કલેકટર કચેરી ગજવી હતી. અંદાજે 500થી વધુ સંખ્યામાં લારીધારકો શ્રવણ ટોકીઝ રોડથી મૌન રેલી યોજી કલેકટર કચેરી પહોંચ્યા હતા અને લેખિતમાં રજૂઆત કરી હતી. આ રજૂઆત કરતા પહેલા શહેરમાં ધ્રાંગધ્રાના ઉતારામાં લારીધારકોએ બેઠક પણ કરી હતી. ત્યારબાદ કલેકટર કચેરી અને મનપા કચેરીમાં રજૂઆત કરતા લારીધારકોએ જણાવ્યુ કે, સુરેન્દ્રનગર મહાનગરપાલીકા બને અને શહેરનો વિકાસ થાય. તેમાં અમો પણ સહમત છીએ. પરંતુ અમો બાપ-દાદા વખતથી રોજીરોટી રળી રહ્યા છીએ. ત્યારે મનપા દ્વારા અમારા પરિવારનો પણ વિચાર કરવો જોઈએ. કેન્દ્ર સરકાર એક તરફ ગરીબી હટાવવાની વાત કરે છે, તો મનપાના અધિકારીઓ તો ગરીબોને જ હટાવી રહ્યા છે. આથી તેમને મુખ્ય રસ્તાઓ સિવાય મોચી બજાર, પોપટપરા, રીવરફ્રન્ટ સહિતના સ્થળે વૈકલ્પીક જગ્યા આપવા અમારી માંગણી છે. જો આ માંગણી ગંભીરતાથી ધ્યાને નહીં લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે લારી અને પાથરણાધારકો આંદોલન કરશે.
અલગ અલગ ધંધાર્થીને અલગ અલગ જગ્યા આપવા માંગ
સુરેન્દ્રનગર શહેરના લારીધારકોએ રજૂઆત કરતા જણાવ્યુ કે, મનપા દ્વારા રસ્તા પરથી હટાવાયેલા લારીધારકોમાં મોટાભાગના શાકભાજી વિક્રેતા છે. આ ઉપરાંત કટલેરી-હોઝીયરી, બુટ-ચંપલ, અગરબત્તી, સીઝનેબલ સામાન વેચતા પણ અમુક લારીવાળાઓ છે. આ દરેકને એક જ સ્થળે જગ્યા આપવાના બદલે ધંધા મુજબ અલગ-અલગ સ્થળે વૈકલ્પીક જગ્યા આપવા અમારી માંગણી છે. જો એક જ સ્થળે બધાને ભેગા રખાય તો નાની મોટી તકરાર થવાની શકયતા રહેલી છે.