સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના પાણશીણામાં રહેતા યુવાને મોરબીની યુવતી સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા.
આ બનાવમાં યુવતીના 2 ભાઈઓ સહિત 3 શખ્સોએ પાણશીણા આવી યુવાનના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
બનાવ અંગેની પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ લીંબડી તાલુકાના પાણશીણામાં રહેતા 23 વર્ષીય ધર્મેન્દ્રભાઈ પ્રવીણભાઈ મકવાણા રિક્ષા ચલાવે છે. તેમના મોટાભાઈ ભવાનભાઈને મોરબીના પ્રિયંકાબેન દેવજીભાઈ ચૌહાણ સાથે પ્રેમસબંધ હોઈ બન્ને તા. 12-12-2024ના રોજ ઘરના સભ્યોને કહ્યા વગર ભાગી ગયા હતા. જેમાં તા. 14-12ના રોજ પ્રિયંકાબેનનો ભાઈ મોરબીનો બકુલ દેવજીભાઈ ચૌહાણ, કેતન નજુભાઈ ચૌહાણ અને નાગરાજ નામનો મિત્ર ત્રણેય કાર લઈને પાણશીણા આવ્યા હતા. અને પ્રિયંકાબેનને પાછા લાવવા ઘરે વાત કરી ધર્મેન્દ્રભાઈને પાણશીણાના પાટીયા સુધી લઈ ગયા હતા. અને અમારી બહેનની શોધીને પાછી લાવ આપ, નહીતર તને અને તારા ભાઈને મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. બાદમાં 7-8 દિવસ પછી ભવાનભાઈ અને પ્રિયંકાબેન પાણશીણા આવી ગયા હતા. ત્યારબાદ પ્રિયંકાબેનના ભાઈ અવારનવાર ફોન કરી પ્રિયંકાબેનને તથા ધર્મેન્દ્રભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. બનાવની ત્રણેય શખ્સો સામે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એ. એન. અંગારી ચલાવી રહ્યા છે.