વર્ષ 2024ને વિદાય આપવાનો દિવસ એટલે કે, 31 ડીસેમ્બર આવી ગયો છે. ત્યારે પશ્ચિમી સંસ્કૃતીના આંધળા અનુકરણના લીધે છેલ્લા થોડા સમયથી ઝાલાવાડમાં પણ 31ના રોજ રાત્રે યુવાનો નશો કરીને છાકટા બને છે. છાના ખુણે યોજાતી ન્યુ યરની પાર્ટીઓમાં શરાબની મહેફીલો જામે છે. આ ઉપરાંત રસ્તા પર વાહનચાલકો પણ પીધેલી હાલતમાં પકડાય છે. ત્યારે આ વખતે 31 મી ડીસેમ્બરના રોજ પોલીસે એકશન પ્લાન બનાવી સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં જિલ્લાની સરહદો પર 13 ચેકપોસ્ટ પણ બનાવવામાં આવી છે. જયાં આવતા અને જતા દરેક વાહનો અને વાહનચાલકોની તપાસ કરવામાં આવશે.
ઈસ્વીસન વર્ષ 2024ની વીદાય અને વર્ષ 2025ને આવકારવાનો દિવસ એટલે કે, 31મી ડીસેમ્બરના રોજ રાત્રીના સમયે હવે ઝાલાવાડમાં પણ ઉજવણીઓ થતી હોય છે.
ત્યારે 31મી ડીસેમ્બરના રોજ રાત્રે દારૂ પીવાનું પણ ચલણ ઝાલાવાડમાં વધતુ જાય છે. લોકો છાના ખુણે દારૂની મહેફીલો કરે છે. અને શરાબની મહેફીલો માણ્યા બાદ રસ્તા પર છાકટા બનીને વાહન ચલાવતા હોય છે. ત્યારે રેંજ આઈ.જી. અશોક યાદવના માર્ગદર્શનથી જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયાએ 31મી ડીસેમ્બર માટે જિલ્લામાં ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં 31મી ડીસેમ્બર પહેલા જિલ્લામાં ઘુસાડવામાં આવતા દારૂ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જિલ્લાની સરહદોએ 13 ચેકપોસ્ટ બનાવીને આવતા અને જતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. આ ચેકપોસ્ટ પર વાયરલેસ સેટ, બેરીકેટ, સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. બીજી તરફ જિલ્લામાં અગત્યના સ્થળોએ 28 પોઈન્ટ બનાવાયા છે. જયાં પસાર થતા વાહનચાલકોની તપાસ કરાશે. અને જો શંકાસ્પદ લાગશે તો તેમને બ્રેથ એનલાઈઝરથી ટેસ્ટ પણ કરવામાં આવશે. દારૂ પીને વાહન ચલાવતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જયારે પોલીસની મોબાઈલ વાન, પીસીઆર વાન અને બાઈક પર પોલીસ જવાનો સતત પેટ્રોલીંગ કરનાર છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ હોટલ, ફાર્મ હાઉસ, કલબ, પ્રાઈવેટ પાર્ટી પ્લોટ પર પણ પોલીસની નજર રહેનાર છે. જોકે, હાલ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ દ્વારા છેલ્લા 2-3 દિવસથી મહત્વના પોઈન્ટ પર રાત્રે બ્રેથ એનલાઈઝર દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ છે.
મહિલા સુરક્ષા માટે સાદા ડ્રેસમાં બોડી વોર્ન કેમેરામાં મહિલા પોલીસ તૈનાત રહેશે
31મી ડિસેમ્બરની ઉજવણી દરમીયાન ખાસ કરીને યુવતીઓની છેડતીના બનાવો બનતા હોય છે. ત્યારે મહીલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસની ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમના સભ્યો સાદા ડ્રેસમાં બોડી વોર્ન કેમેરા સાથે 31મી ડીસેમ્બરના રોજ આવા રોમીયોગીરી કરતા તત્વો પર નજર રાખશે.
કમાન્ડ કંટ્રોલ રૂમમાં સતત મોનિટરિંગ કરાશે
સરકારના વિશ્વાસ પ્રોજેકટ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર ઉપરાંત અન્ય શહેરોમાં પણ હાઈ ડેફીનેશન સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. ત્યારે 31મી ડીસેમ્બરના રોજ નેત્રમ એટલે કે, કમાન્ડ કંટ્રોલ રૂમ ખાતે કર્મીઓ સીસીટીવી મોનીટર પર બાઝ નજર રાખીને સતત મોનીટરીંગ પણ કરશે.
સોશિયલ મીડિયા પર પણ પોલીસની નજર રહેશે, ખોટી અફવા ન ફેલાવી
31મી ડીસેમ્બરે વ્હોટસએપ, ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ, સ્નેપ જેવી સોશીયલ મીડીયા એપ ઉપર કોઈ ખોટી અફવા ન ફેલાવે અથવા તો કોઈની ધાર્મીક લાગણી દુભાય તેવુ લખાણ મુકે તેના પર પણ પોલીસની નજર રહેનાર છે. આ માટે સાયબર સેલની ખાસ ટીમ બનાવાઈ છે. જે સોશીયલ મીડીયા પર નજર રાખશે.
ચાંપતા બંદોબસ્ત સાથે 6 ટીમો સરપ્રાઈઝ ચેકિંગ માટે ખડેપગે રહેશે
સુરેન્દ્રનગર જિલ્લાના વીવીધ પોલીસ મથકો દ્વારા 31મી ડિસેમ્બરને રાત્રે ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો, ડીવાયએસપી સ્કવોડ સહિત 6 ટીમો સરપ્રાઈઝ ચેકીંગ માટે ખડેપગે રહેનાર છે. જેઓ જિલ્લામાં કોઈપણ સ્થળે આકસ્મીક રેડ પાડી શકે છે.