ચૂડા તાલુકાના ચચાણા ગામે રહેતા પશુપાલકના પરિવારમાં મરણ થયુ હોય તા. 26-10ના રોજ રાત્રે ભજનનો કાર્યક્રમ હતો. જે પુર્ણ કરી પરિવાર રાત્રે 1 વાગે સુતો હતો અને વહેલી સવારે 5 કલાકે જાગીને જોતા ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. તસ્કરો રોકડ, ઘરેણા અને મોબાઈલ સહિત રૂપિયા 4,30,600ની મત્તા ચોરી કરી લઈ ગયા છે.
ચૂડા તાલુકાના ચચાણા ગામે રહેતા 45 વર્ષીય ભુરાભાઈ સુખાભાઈ બોળીયા પશુપાલન અને ખેતીકામ કરે છે. પાંચેક દિવસ પહેલા તેમના પરીવારમાં મોટાબાપુ મોતીભાઈ વીરાભાઈનું અવસાન થયુ હતુ. જેમાં ગત તા. 26-10ના રોજ રાત્રે ઘર પાસે ભજનનો કાર્યક્રમ હતો. આથી ભુરાભાઈ સહ પરિવાર આ ભજનમાં ગયા હતા અને મોડી રાતના અંદાજે 1 કલાકે ઘરી આવી તેઓ, પત્ની અને એક દિકરી મકાનની ઓશરીમાં સુતા હતા. જયારે પહેલા રૂમમાં બીજી દિકરી સુતી હતી અને અન્ય 3 રૂમને બહારથી સ્ટોપર મારી હતી. નીત્યક્રમ મુજબ ભુરાભાઈ સવારે પ કલાકે પશુઓને દોહવા માટે જાગ્યા હતા. અને જોયુ તો બીજા નંબરનો રૂમ ખુલ્લો હતો. અને તેમાં રાખેલ લાકડાના કબાટનું તાળુ તુટેલુ હતુ તથા સામાન્ય અસ્તવ્યસ્ત હતો અને તસ્કરો કબાટમાં રાખેલ તેમની પત્નીનાં સોના-ચાંદીના ઘરેણાં કિંમત રૂ. 3,35,600, રોકડા રૂ. 90 હજાર અને રૂ. પ હજારનો મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 4,30,600ની મત્તા ચોરી કરીને લઈ ગયા હતા. બનાવની ચુડા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એચ.એચ.જાડેજા ચલાવી રહ્યા છે.










