સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં ઉત્તરાયણની પર્વની લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. વહેલી સવારથી ખાસ કરીને યુવાનો અને બાળકો ધાબા પર ચડી ગયા હતા. દિવસભર ધાબાઓ પરથી એ કાપ્યો છે..ની બુમો સંભળાતી હતી.
શહેરીજનોએ ઉંધીયા સાથે લીલા ચણા, બોર, પુરી, શેરડી, ચીકી, મમરાના લાડુ, કચરેયુ સહિતની જયાફત પણ ઉઠાવી હતી. શહેરની બજારોમાં સવારના સમયે ઉંધીયુ લેવા લોકોએ રીતસરની લાઈનો લગાવી હતી. ઉત્તરાયણ પર્વે પક્ષીઓ માટે વન વિભાગ, પશુપાલન વિભાગ અને શહેરના જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બહુમાળી ભવન રોડ પર સારવાર કેન્દ્ર શરૂ કરાયુ હતુ. ગત વર્ષે સમગ્ર જિલ્લામાં જયારે 125થી વધુ પક્ષીઓને ઈજા પહોંચી હતી ત્યારે આ વર્ષે સવારે 9 પહેલા અને સાંજે 6 વાગ્યા પછી લોકોને પતંગ ન ચગાવવાની કરાયેલી અપીલના લીધે ગત વર્ષ કરતા ઓછા પક્ષીઓને ઈજાઓ થઈ છે. દિવસભર શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકોના કોલ આવતા હતા અને જીવદયાપ્રેમીઓ વાહન લઈને ત્યાં દોડી જતા હતા અને પક્ષીઓની સારવાર કરાતી હતી. બીજી તરફ ધ્રાંગધ્રામાં અરાઈસ ગ્રુપ દ્વારા પણ ઘાયલ પક્ષીઓની સારવાર કરાઈ હતી. ઉત્તરાયણ પર્વે દિવસભર અંદાજે 70થી વધુ જેટલા પક્ષીઓને સારવાર માટે સારવાર કેન્દ્રમાં લવાયા હતા. જેમાં સૌથી વધુ કબુતરનો સમાવેશ થતો હતો.










