ચોટીલા ડેપ્યુટી કલેકટર મૂળી વિસ્તારમાં રાત્રે ચેકિંગમાં હતા ત્યારે ત્રણ શખ્સો કાર સાથે રેકી કરતા ઝડપી લઈ કાર જપ્ત કરી કાયમી ખાલસા કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા, મૂળી અને થાન વિસ્તારમાં ચોટીલા ડેપ્યુટી કલેકટર ગમે તે સમયે ચેકિંગમાં નીકળતા હોવાથી ખનીજ માફ્યિા દ્વારા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણાનું સતત લોકેશન જોવા માટે અલગ અલગ કાર પીછો કરતી હોય છે.એવામાં ડેપ્યુટી કલેકટર રાત્રે મૂળી તાલુકાના સડલા, શેખપર અને ગૌતમગઢ સહિતના વિસ્તારમાં ચેકિંગમાં નીકળતા હતા. આ સમયે સ્વીફ્ટ કારમાંના શખ્સો વોટ્સઅપ અને મેસેજ દ્વારા લોકેશન મોકલતા હોવાનું જાણવા મળેલ ત્યારે કાર રોકી મોબાઈલ અને કાર સહિતનો રૂ. 7.12 લાખનો મુદામાલ જપ્ત કરી મામલતદારને કાર સોપી દીધી હતી.બીજી તરફ રકી કરતા ઝડપાયેલા પાર્થ વિનયકુમાર ભટ રહે. સુરેન્દ્રનગર, નકુમ શકિતસિહ મહિપતસિહ રહે. વઢવાણ અને રથવી ભરતસિહ રાયમલભાઈ રહે.લીમલી સહિતના ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ રેકી કરતા ઝડપાયેલ આ સ્વીફ્ટ કાર અને અગાઉ હાઇવે ઉપરથી ઝડપાયેલ ક્રેટા સહિત બન્ને કાર ડેપ્યુટી કલેકટર દ્વારા રાજ્યસાત(શ્રી સરકાર કાયમી ખાલસા) કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આમ હવે રેકી કરનારી કાર કાયમી ખાલસા કરવાની કાર્યવાહી શરુ કરાતા ખનીજ માફ્યિાઓ ડેપ્યુટી ક્લેકટરની રેકી કરતા ભૂલી જશે.










