થાનના સારસાણા ગામની સીમમાં પરિણીતા સાથે મૈત્રી કરાર કરવા બાબતે ખુની ખેલ ખેલાયો હતો. જેમાં પિતા-પુત્ર પર લાકડાના ધોકા અને છરીના ઘા કરાતા બન્નેના મોત થયા હતા. આ બનાવમાં મૃતક યુવાનની માતા ગંભીર રીતે ઘવાતા સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા.


જેમાં શુક્રવારે સવારે સારવાર દરમિયાન મહિલાનું પણ મોત થતા બનાવ ડબલ મર્ડરમાંથી ટ્રીપલ મર્ડરમાં પરીણમ્યો છે. પોલીસે આ કેસમાં 1 મુખ્ય આરોપી અને 3 મદદગારી કરનાર સહિત 4ને ઝડપી લીધા છે.

હાલના સમયમાં લીવ-ઈન-રીલેશનશીપ એટલે કે મૈત્રી કરારે માઝા મુકી છે. કાયદાકીય રીતે યોગ્ય ગણાતા સંબંધો સામાજિક દૃષ્ટીએ અને નૈતીકતાની રીતે યોગ્ય ન હોય તેને સમાજ સ્વીકારવા તૈયાર નથી. મૈત્રી કરારના લીધે અનેક પરીવારો વીંખાયા છે. ત્યારે થાનમાં મૈત્રી કરારના લીધે જ ખુની ખેલ ખેલાયો હતો. મળતી માહિતી મુજબ થાનના સારસાણા ગામની સીમમાં રહેતા ભાવેશ ઘુઘાભાઈ બજાણીયાને વરમાધાર ગામની સંગીતા સાથે પ્રેમ થઈ જતા બન્નેએ મૈત્રી કરાર કર્યા હતા.

સંગીતાના લગ્ન મનડાસરના દિનેશ નાનજીભાઈ સાપરા સાથે થયા હતા. પરંતુ બન્નેને મનમેળ આવતો ન હતો. સંગીતાએ ભાવેશ સાથે મૈત્રી કરાર કરતા પતિ દિનેશ સાપરા અને સંગીતાના ભાઈ દિનેશ સુખાભાઈ સાબળીયાને આ વાત ખટકતી હતી.ત્યારે તા. 6ના રોજ મોડી રાત્રે દિનેશ સુખાભાઈ સાબળીયા, દિનેશ નાનજીભાઈ સાપરા અને જેસા નરશીભાઈ સાપરા સારસાણા આવ્યા હતા. હાથમાં છરી, લાકડાના ધોકા સહિતના હથીયારો સાથે આવી ભાવેશ બજાણીયા, તેના પિતા ઘુઘાભાઈ બજાણીયા પર તેઓ તુટી પડયા હતા. આ સમયે વચ્ચે પડેલ સંગીતા અને મંજુબેનને પણ તેઓએ માર માર્યો હતો. બનાવમાં ભાવેશ અને ઘુઘાભાઈનું મોત થયુ હતુ. જયારે પડખાના ભાગે છરી વાગતા રાજકોટ સારવાર લઈ રહેલા મંજુબેને પણ શુક્રવારે સવારે દમ તોડયો હતો. આથી ડબલ મર્ડરનો આ બનાવ ટ્રીપલ મર્ડરમાં પરીણમ્યો છે.

બીજી તરફ હત્યાના બનાવ બાદ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વીવીધ ટીમો બનાવી તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. જેમાં હાલ જેસા નરશીભાઈ સાપરા, કેશા ગેલાભાઈ ઝાલા, રમેશ ઉર્ફે રંગો વેલાભાઈ ટાપોળીયા અને દેવશી સોમાભાઈ સોલંકીને ઝડપી લેવાયા છે. જયારે સંગીતાના ભાઈ અને અગાઉના પતિની હજુ પણ પોલીસ તપાસ કરી રહી છે.

ત્રણ શખ્સોએ વાહન અને હથિયાર પૂરા પાડયા હતા

પોલીસે ટ્રીપલ મર્ડર હત્યા કેસમાં સંગીતાના કાકાજી સસરા જેસા નરશીભાઈ સાપરાને સૌપ્રથમ વીડ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં કેશા ગેલાભાઈ ઝાલા, રમેશ ઉર્ફે રંગો વેલાભાઈ ટાપોળીયા અને દેવશી સોમાભાઈ સોલંકીએ હથીયારો અને વાહનો પુરા પાડયા હતા. આથી ટ્રીપલ મર્ડરના બનાવમાં મદદગારી કરનાર આ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. હજુ સંગીતાનો ભાઈ દિનેશ સાબળીયા અને યુવતીનો અગાઉનો પતિ દિનેશ સાપરા પોલીસ પકડથી દુર છે. આ બંને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

  • Follow us on: