સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં ફરજ બજાવતા ઈજનેરે ટ્રેન તળે ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં જોરાવરનગર પોલીસે અમોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. પરંતુ મનપા બન્યા બાદ વર્કલોડના લીધે આ પગલુ ઈજનેરે ભર્યુ હોવાનું કર્મચારી વર્તુળમાં ચર્ચાઈ રહ્યુ છે.

સુરેન્દ્રનગર મહાનગર પાલીકામાં ઈજનેર તરીકે નીલેશભાઈ દુધરેજીયા ફરજ બજાવે છે. ગત તા. 13-રના રોજ તેઓ નિયત સમયે કચેરીએ પણ આવ્યા હતા. અને ફીંગરપ્રીન્ટ મશીનમાં પોતાની એટેન્ડન્સ કરીને બહાર ગયા હતા. જયારે થોડીવાર પછી બપોરના 12-00 કલાકના સુમારે જોરાવરનગર રેલવે સ્ટેશનેથી પસાર થતી ઈંધણ ભરેલ માલગાડી સામે તેઓએ પડતુ મુકી મોતને વહાલું કરી લીધુ હતુ. બનાવની જાણ થતા મનપાના ઈજનેર કયવંતસીંહ હેરમા, પીન્ટુભાઈ શાહ, ભરત ત્રીવેદી સહિતનાઓ દોડી ગયા હતા. જયારે આ અંગેની માહીતી મળતા જોરાવરનગર પોલીસે દોડી જઈ લાશને પીએમ માટે મોકલી આપી હતી. અને અમોત નોંધી મૃતકના આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ પીએસઆઈ ડી. ડી. ચુડાસમા ચલાવી રહ્યા છે. મૃતક નીલેશભાઈ હસમુખા સ્વભાવના તથા કર્મચારીઓમાં પણ પ્રિય હતા. મૃતકે આત્મહત્યાનું પગલુ ભરતા પહેલા રેલવે સ્ટેશને બાકડામાં બેઠા બેઠા કોઈ જોડે ફોનમાં લાંબી અને મોટા અવાજેથી વાત કરતા હોવાનું પણ પ્રત્યક્ષદર્શીઓ પાસેથી જાણવા મળ્યુ છે.

બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ મૃતકનો મોબાઈલ કબજે લેવાયો છે. પરંતુ તેમાં પેટર્ન લોક છે. મૃતકના પરીવારજનોની પુછપરછ કરી આ લોક ખુલે તો તપાસ કરીશુ અન્યથા મોબાઈલ ફોન એફએસએલમાં મોકલવામાં આવશે. બીજી તરફ સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા મહાનગરપાલીકા બન્યા બાદ કામના વધતા ભારણને લીધે તેઓએ આ પગલુ ભર્યાનું હાલ મનપાના કર્મચારી વર્તુળમાં ચર્ચાઈ રહ્યુ છે.


  • Follow us on: