સુરેન્દ્રનગર શહેરમાં રસ્તાઓ પર લારી અને પાથરણાવાળાની સમસ્યા શીરદર્દ સમાન હતી. ત્યારે મહાનગરપાલિકા થતા જ રસ્તાઓ પરથી લારીવાળાઓને હટાવાયા હતા. તેઓની રજૂઆત બાદ તેઓને ટાગોરબાગ પાછળના રસ્તે ઉભા રહેવા દેવામાં આવવાનું નક્કી કરાયુ હતુ. જેમાં બાદમાં તેઓના ફોર્મ ભરાયા હતા.
હાલ ફોર્મ ભરાયા બાદ આજે તા. 3 માર્ચે લારીવાળાઓ માટે પાલિકા બજારમાં જગ્યા માટે ડ્રો કરવામાં આવનાર છે. જેમાં 220 લારીધારકોને જગ્યા ફાળવાશે . સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકાને મહાનગરપાલિકા જાહેર થયા બાદ શહેરની શીરદર્દ સમાન સમસ્યા રસ્તા પર લારીધારકો અને પાથરણાવાળાના ત્રાસથી શહેરીજનો અને ખાસ કરીને વાહનચાલકોને મુકિત મળી છે. પરંતુ મનપાના અધીકારીઓ માટે હવે તેમનો સમાવેશ શીરદર્દ સમાન બની ગયો છે. રસ્તા પરથી લારીવાળાઓને હટાવાતા તેઓએ વૈકલ્પીક સ્થળની માંગ કરી હતી. જેમાં મનપાના કમીશ્નર નવનાથ ગવ્હાણે, નાયબ કમીશ્નર અર્જુનસીંહ ચાવડા સહિતનાઓ દ્વારા શહેરના લારીધારકોને શહેરના ટાગોરબાગ પાછળ આવેલા રસ્તે પાલિકા બજાર બનાવી ત્યાં ઉભા રહેવા દેવાનું નક્કી કરાયુ હતુ. આ માટે લારી ધારકોને અરજી કરવા કહેવાયુ હતુ. જેમાં અંદાજે 900થી વધુ ફોર્મ ભરાયા હતા. ત્યારે આ ભરાયેલ ફોર્મમાંથી અગાઉ પાલિકા સમયે જેઓને વેન્ડર કાર્ડ અપાયા હોય તેવા લોકોને પ્રાથમીકતા આપીને હાલ 220 નામો શોર્ટ લીસ્ટ કરાયા છે. આ નામો હાલ મનપા કચેરીના નોટીસ બોર્ડ પર પણ મુકાયા છે. જેમાં આજે તા. 3 માર્ચના રોજ સાંજે 4 કલાકે પાલિકા બજાર ખાતે લારીધારકોને જગ્યા આપવા ડ્રો કરવામાં આવશે. મનપા દ્વારા ખાસ યાદીમાં સમાવીષ્ટ લોકોને ડ્રોમાં હાજર રહેવા જણાવાયુ છે. જો તેઓ ગેરહાજર રહેશે તો અન્ય તક અપાશે નહી. આ ઉપરાંત ડ્રોમાં ફાળવેલ જગ્યા જો અન્ય કોઈને તબદલી કરાયાનું ધ્યાને આવતા તો તેની સામે કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ અપાઈ છે.










