સુરેન્દ્રનગર શહેરમાં રહેતા અને નર્મદા નિગમમાં વીજીલન્સ ઈન્સ્પેકટરને દુધરેજ કેનાલ પાસે ગેરકાયદેસર હોટલ હટાવવા બાબતે ત્રણ શખ્સોએ ધમકી આપી હતી. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે હોટલ માલીક સામે ફરિયાદ નોંધાઈ છે.


વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગરની સોમનાથ પાર્ક સોસાયટીમાં રહેતા જયેશભાઈ નારણભાઈ ગઢવી સુરેન્દ્રનગર નર્મદા નિગમમાં વીજીલન્સ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. લખતરના બાબાજી પરાથી ધોળીધજા ડેમ સુધીનો વિસ્તાર તેમની અંડરમાં આવે છે. દુધરેજ નર્મદા કેનાલની હદમાં અને કેનાલ કાંઠે બાપા સીતારામ ચાની હોટલ આવેલી હોઈ તા. 13-11-24ના રોજ જયેશભાઈ સહિતના સ્ટાફે જઈ દબાણ દુર કરવા હોટલ માલીક રાજુભાઈને મૌખીક સુચના આપી હતી. આપી 4-5 દિવસનો સમય આપ્યો હતો. જયારે તા. 19-11-24ના રોજ રાજુભાઈના મીત્ર નાનાભાઈ ભરવાડે ફોન કરી અમે હોટલ ન ફેરવીએ તો તમે શું કરી લેશો તેમ કહી અપશબ્દો કહ્યા હતા. ત્યારબાદ રાજુભાઈએ હોટલ ફેરવી નાંખી હતી. અને તા. 12-12-24ના રોજ ફોન કરી જયેશભાઈ સાથે અભદ્ર ભાષામાં વાત કરી ગર્ભીત ધમકી આપી હતી. અને ભરતભાઈ ભગવાનભાઈ સુવાળાએ ફોન કરી જયેશભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બીજી તરફ સોમનાથ પાર્ક વિસ્તારમાં આવેલ જયેશભાઈની દુકાને નાનાભાઈએ જઈ તેમના પિતાને કહ્યુ હતુ કે, તમારા દિકરાને જેમ રાખવો હોય તેમ રાખજો તેને મારવાનો છે. જયારે જયેશભાઈએ ભાડે આપેલ દુકાન પર જઈ દુકાનદારને આ દુકાન ખાલી કરી નાંખશો તેમ કહ્યુ હતુ. આ ઉપરાંત તા. 12-12-24ના રોજ ધોળીધજા ડેમ પર આવેલ પોઈન્ટ પર આવી દરવાજો ખખડાવી ગઢવીને બહાર કાઢો મારી નાંખવાનો છે તેમ કહ્યુ હતુ. આથી જયેશભાઈ ગઢવીએ એ ડીવીઝન પોલીસ મથકે રાજુભાઈ, નાનાભાઈ ભરવાડ અને ભરતભાઈ ભગવાનભાઈ સુવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


  • Follow us on: