- PGVCL તંત્રની બેદરકારી જીવલેણ નીવડશે
- ઇલેકટ્રીક હેવી લાઇનના ગડર પોલને રસ્તા વચ્ચે ઊભો કરવામાં આવ્યો છે
- અકસ્માતોમાં 18થી વધુને ઈજા : દુકાનદારો દ્વારા પોલ અને તાણિયા હટાવવા રજૂઆત
લીંબડી નેશનલ હાઈવે પર સંજીવની હોટેલ પાસે સંઝરી પ્લાઝાની સામે સિકસલેન હાઇવે પર પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ઇલેકટ્રીક હેવી લાઇનના ગડર પોલને રસ્તા વચ્ચે ઊભો કરવામાં આવ્યો છે. અને એનો સપોર્ટ તાણીયો સિકસલેન પર ખોડવામાં આવતા આ તાણિયો હાલ તો અકસ્માતનું કેન્દ્ર બન્યો છે.
આ વિસ્તારમાં આવેલા ગેરેજ અને મિકેનિકલ કામદારોએ જણાવ્યું હતું કે આ તાણીયાના લીધે છેલ્લા 20 દિવસમાં 12 અકસ્માતો સર્જાયા છે. જુદા જુદા અકસ્માતોમાં 18થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બનાવ સંદર્ભે પીજીવીસીએલ તંત્રમાં પોલીસ તથા મામલતદાર અને ઉચ્ચ અધિકારીઓએ આ ગડર પોલ થાંભલો અને તાણીયો બંને હટાવી લેવામાં આવે એવી જાણ કરી હોવા છતાં પીજીવીસીએલ તંત્રના પેટનુ પાણી પણ હલતું નથી. આ થાંભલો હટાવવા લીંબડી શહેર સામાજિક કાર્યકર દિક્ષિતસિંહ ઝાલા તથા હાઇવે ઓટોમોબાઈલ દુકાનદારોએ લીંબડી પીજીવીસીએલ કચેરીમાં આવેદનપત્રના માધ્યમથી લેખિતમાં રજૂઆત કરી છે અને જો વહેલી તકે આ થાંભલો નહીં હટાવાય તો પીજીવીસીએલની નીતિ સામે આંદોલન કરવાની ચીમકી આપી છે.










