- મત ગણતરી વખતે જરૂરી સાવધાની, ભરવાના જરૂરી ફોર્મ વિશે કર્મીઓને માહિતી અપાઈ
- વઢવાણ GIDC હોલમાં કાઉન્ટિંગ સુપરવાઈઝર અને કાઉન્ટિંગ આસિસ્ટન્ટની તાલીમ યોજાઈ
- દેશમાં 7 તબક્કામાં યોજાયેલ મતદાનમાં આખરી તબક્કાનું મતદાન તા. 1 જુને થઈ ગયુ
સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં મત ગણતરી તા. 4થી જુને હાથ ધરવામાં આવનાર છે. ત્યારે વઢવાણ જીઆઈડીસીમાં આવેલ મેડીકલ હોલમાં કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસીસ્ટન્ટની તાલીમ યોજાઈ હતી. જેમાં મત ગણતરી વખતે રાખવાની જરૂરી સાવધાની, ભરવાના જરૂરી ફોર્મ વિશે કર્મીઓને માહીતી અપાઈ હતી.
સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં તા. 7 મેએ મતદાન યોજાયુ હતુ. સમગ્ર દેશમાં 7 તબક્કામાં યોજાયેલ મતદાનમાં આખરી તબક્કાનું મતદાન તા. 1 જુને થઈ ગયુ છે. ત્યારે તા. 4 જુને સમગ્ર દેશની સાથે સુરેન્દ્રનગર લોકસભા બેઠકની પણ મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે. હાલ ઈવીએમ મત ગણતરી કેન્દ્ર શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં સીલ કરીને પેરા મીલીટરી ફોર્સ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રખાયા છે. મત ગણતરીમાં ફરજ બજાવનાર કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસીસ્ટન્ટની તાલીમ વઢવાણના મેડીકલ હોલમાં યોજાઈ હતી. જેમાં કલેકટર કે.સી.સંપત, નાયબ જિલ્લા ચૂંટણી અધીકારી અર્જુન ચાવડા, અધીક કલેકટર આર.કે.ઓઝા સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. સુરેન્દ્રનગર લોકસભા બેઠકની મત ગણતરીની શરૂઆત પોસ્ટલ બેલેટથી કરવામાં આવનાર છે. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર અને ધ્રાંગધ્રા નાયબ કલેકટર હર્ષદીપ આચાર્યે મત ગણતરીમાં ફરજ બજાવનાર કર્મીઓને મત ગણતરી વખતે રાખવાની જરૂરી સાવધાની, વીવીધ ભરવાના થતા ફોર્મ વિશે માહીતી આપી હતી. આ ઉપરાંત સમગ્ર ગણતરીની પીપીટી થકી માહીતી અપાઈ હતી. કર્મીઓને સવારે પ કલાકે મત ગણતરી સ્થળે હાજર રહેવા જણાવાયુ છે. જયારે મોબાઈલ પર પ્રતીબંધ હોવાથી સાથે ન લાવવા જણાવાયુ છે. આ ઉપરાંત પાર્કીંગ, જમવાની વ્યવસ્થા વિશે પણ કર્મીઓને અવગત કરાયા હતા.










